જામનગરઃ લમ્પી વાયરસને મુદ્દે કોઈ નક્કર કાર્યવાહી ના થતા કોંગ્રેસના પ્રમુખ દિગુભા જાડેજાએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો

અટલ સમાચાર, ડેસ્ક
ગુજરાતના અનેક વિસ્તારોમાં લમ્પી વાયરસે કહેર વર્તાવ્યો છે. જેના કારણે હજારોની સંખ્યામાં ગાયોના મોત થયા છે. જેને લઈને સરકાર એક્શનમાં આવી છે અને મુખ્યમંત્રીથી લઈને કૃષિ મંત્રી સહિત વિવિધ વિસ્તારની મુલાકાત લઈ રહ્યા છે. તો બીજી તરફ વિપક્ષ સતત સરકારની કામગીરી સામે સવાલો ઉઠાવી રહ્યું છે. આ સમયે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જામનગરની મુલાકાતે છે. જ્યાં કલેકટર કચેરી ખાતે મુખ્યમંત્રીએ અધિકારીઓ સાથે બેઠક કરી હતી.
જો કે આ બેઠક દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કલેકટર કચેરી બહાર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાએ આત્મવિલોપનનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે. પેટ્રોલ છાટી આત્મવિલોપનનો પ્રયાસ કરવા જઈ રહ્યા હતા ત્યારે પોલીસના જવાનો પહોંચી ગયા હતા અને તેમને આત્મવિલોપન કરતા રોક્યા હતા. લમ્પી વાયરસને મુદ્દે કોઈ નક્કર કાર્યવાહી ના થતી હોય ગૌ માતાના હત્યારાના આક્ષેપના સુત્રોચાર સાથે તેમણે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. દિગુભાએ શરીરે પેટ્રોલ છાંટતા જ હાજર પોલીસે તેને પકડી લઇ આત્મવિલોપનનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. કોંગ્રેસ નેતાએ આત્મવિલોપનનો પ્રયાસ કરતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.