રિપોર્ટ@જામનગર: કૃષિ મંત્રીને બ્રેઇન સ્ટ્રોક અને જી.જી. હોસ્પિટલનું MRI મશીન બંધ, શું છે સમગ્ર મામલો ?

 
Jamnagar

અટલ સમાચાર, ડેસ્ક

જામનગરની જીજી હોસ્પિટલમાં 13 કરોડના ખર્ચે ઇન્સ્ટોલ કરાયેલ MRI મશીન છેલ્લા 15 દિવસથી બંધ પડ્યું છે. જાણવા મળતી વિગતો અનુસાર કૃષિ મંત્રી રાઘવજી પટેલને બ્રેઇન સ્ટ્રોક આવ્યા બાદ જીજી હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ MRI મશીન બંધ હોવાના કારણે તેમને રાજકોટ શિફ્ટ કરવામાં આવ્યા હોવાનું ચરચાયું હતું.જામનગરની જીજી સરકારી હોસ્પિટલ આમ તો સૌરાષ્ટ્રની પ્રથમ નંબરની અને ગુજરાતની બીજા નંબરની સરકારી હોસ્પિટલ છે. ગત વર્ષે 13 કરોડના ખર્ચે જામનગરની જી.જી. હોસ્પિટલમાં MRI મશીન ઇન્સ્ટોલ કરાવવામાં આવ્યું હતું. પરંતુ એક જ વર્ષની અંદર મશીન ખરાબ થઈ જતા દર્દીઓની હાલાકીમાં વધારો થયો છે.

મહત્વનું છે કે, ત્રણ દિવસ પહેલા કૃષિ મંત્રી રાઘવજી પટેલને બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો ત્યારે તેમને તાત્કાલિક સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સમાચારો એવા વહેતા થયા કે જીજી હોસ્પિટલમાં MRI મશીન બંધ હોવાના કારણે રાઘવજી પટેલને તાત્કાલિક રાજકોટ સિનરજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે આ અંગે તબીબોએ સ્પષ્ટતા કરી છે કે, રાઘવજી પટેલને હેમ્રેજિક બ્રેઇન સ્ટ્રોક હોવાના કારણે સીટી સ્કેન કરવાનું હોય છે તેમને MRI કરવાની જરૂર રહેતી જ નથી અને છેલ્લા ત્રણ દિવસથી રાજકોટ ખાનગી હોસ્પિટલમાં પણ એકેય વખત તબીબોએ તેમનું MRI કર્યું નથી. પરંતુ છેલ્લા 10 થી 12 દિવસથી MRI મશીન બંધ છે તે હકીકત છે.

MRI મશીન બંધ હોવાના કારણે દર્દીઓને હાલાકી છે તે હકીકત છે. જીવ કોઈ મિનિસ્ટરનો હોય કે સામાન્ય વ્યક્તિનો દરેકના જીવનું મૂલ્ય સરખું હોય છે. કૃષિ મંત્રી રાજ્યના મંત્રી છે અને સદ્ધર હોવાના કારણે તેઓ ખાનગી હોસ્પિટલમાં પણ સારવાર લઈ શકે છે, પરંતુ આવી પરિસ્થિતિમાં સામાન્ય લોકોની હાલત ખૂબ જ કફોડી બનતી હોય છે. હાલની પરિસ્થિતિ પ્રમાણે જામનગરની જીજી હોસ્પિટલમાં 10 દર્દીઓ એવા છે જેમને તાત્કાલિક MRI કરવું પડે તેમ છે. જોકે હોસ્પિટલ તંત્ર જણાવે છે કે તેમને કોઈ ખાનગી રેડિયોલોજી વિભાગ સાથે સરકારે એમઓયુ કરેલા છે માટે દર્દીઓને ત્યાં મોકલવામાં આવે છે અને મફત MRI કરાવી આપવામાં આવે છે.

કોઈપણ વ્યક્તિ જ્યારે ઘર માટે એક સામાન્ય 40-50 હજારનું એસી ખરીદે ત્યારે તેમાં પણ એક વર્ષની વોરંટી હોય છે અને જો કોઈ ક્ષતિ આવે તો 24 કલાકની અંદર ટેકનિશિયન આવીને તેને ફરીથી શરૂ કરી દે છે ત્યારે આવી પરિસ્થિતિમાં સરકારે કરેલ કરોડો રૂપિયાનો ખર્ચ એડે ગયો છે. 13 કરોડના ખર્ચે ખરીદવામાં આવેલ મશીન છેલ્લા 15 દિવસથી બંધ છે અને હજુ પણ કેટલા દિવસ લાગશે તેનો કોઈ અંદાજ નથી. આરોગ્યની દ્રષ્ટિએ સરકાર દ્વારા કરવામાં આવતા પ્રજાહિતના કરોડોનો ખર્ચ એડે ન જાય અને લોકો સુધી સારી મશીનરી અને સારી સુવિધાઓ પહોંચે તેવી અપેક્ષા તમામ નાગરિકો રાખીને બેઠા છે.