ઘટના@જુનાગઢ: બૂકાનીધારી ટોળકીનાં આતંકથી ખભે બંદૂક લઈને આવ્યા ધારાસભ્ય, જાણો શું છે સમગ્ર મામલો ?

વિસાવદરનાં ભૂતડી ગામમાં બૂકાનીધારી ટોળકીનાં આતંકથી ખેડૂતોમાં ફફડાટ વધતાં ખુદ ધારાસભ્ય હર્ષદ રિબડીયા બંદૂક લઇને ભૂતડી ગામ પહોંચ્યા
 
Visavadar

અટલ સમાચાર, ડેસ્ક 

જૂનાગઢના વિસાવદરના ભૂતડી ગામમાં બુકાનીધારી ગેંગનો આતંક સતત વધી રહ્યો છે. તેવામાં હવે રાત્રિના સમયે બુકાનીધારી ગેંગ ખેડૂતોને ઘરમાં પુરી દઇને ધમકીઓ આપે છે. આ બુકાનીધારી ગેંગનો એટલો બધો ત્રાસ છે કે, ખેડૂતો સૂતા હોય એ સમયે તે લોકો ઘરનો દરવાજો બહારથી બંધ કરી દે છે. બુકાનઘારી ગેંગ દરવાજો બંધ કરીને દરવાજા પર લાતો મારી ખેડૂતોને ધમકી આપે છે. ત્યારે આવી સ્થિતિમાં ખેડૂતોએ MLA હર્ષદ રિબડીયાને ફોન કર્યો હતો. આથી MLA હર્ષદ રિબડીયા તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. 

વિસાવદરના ભૂતડી ગામમાં બુકાનીધારી ગેંગના આતંકને લઈ MLA હર્ષદ રિબડીયા બંદૂક લઇને ભૂતડી ગામ પહોંચ્યા હતા. રાત્રે ભૂતડી ગામે MLA રિબડીયાએ પોલીસને પણ બોલાવી હતી. આથી MLA રિબડીયાએ પોલીસ સમક્ષ બુકાનીધારી ગેંગને પકડવા માટેની રજૂઆત પણ કરી હતી. મહત્વનું છે કે, છેલ્લા 20 દિવસથી અહીં બુકાનીધારી ગેંગે તરખાટ મચાવ્યો છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, મોઢા પર બુકાની બાંધીને બુકાનીધારી ગેંગના છ જેટલા શખ્સોએ ખેતરે આવી ધમકીઓ આપી હતી. ખેડૂતોને મકાનના ઓરડામાં પૂરી દે છે.
જાણો શું કહ્યું હર્ષદ રીબડીયાએ ? 
સમગ્ર મામલે ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ આક્ષેપ કર્યો હતો કે, છેલ્લા વીસેક દિવસથી કેટલાક અસામાજિક તત્ત્વો રાત્રીના સમયે અલગ-અલગ ખેડૂતોની વાડીએ જઈ ખેડૂતો મકાનમાં સૂતા હોય ત્યારે મકાનના બારણે પાટા મારીને ધમકીઓ આપે છે. આ પ્રકારે ગામના સરપંચ અને ખેડૂતો દ્વારા જાણ કરવામાં આવી હતી. આથી તેઓ ભુતડી ગામે દોડી ગયા હતા અને રાત્રીના દસ વાગ્યાની આસપાસ ખેતમજૂર વિરોધીઓ એટલે કે બુકાનીધારી ગેંગની શાન ઠેકાણે લાવવા બંદૂક લઈને પહોંચી ગયા હતા.
શું કહ્યું સ્થાનિક પોલીસે ? 
આ તરફ હવે વિસાવદરના PI આર. બી. ગઢવીનું કહેવું છે કે, ખેડૂતોને બુકાનીધારીઓ હેરાન કરતા હોવાની ખેડૂતો અને ધારાસભ્યની ફરિયાદ મળી છે. આથી પોલીસ આ મામલે તપાસ માટે ગઈ હતી. તેમજ પોલીસ કર્મચારીઓની ટીમો બનાવીને અલગ-અલગ વિસ્તારમાં તપાસ માટે ગોઠવી દેવાઇ છે.