આસ્થા@સુરત: શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટને 11 વર્ષની બાળ કથાવાચકે 50 લાખની ધનરાશી કરી અર્પણ
અટલ સમાચાર, ડેસ્ક
અયોધ્યા ધામ ખાતે પ્રભુ શ્રીરામ મંદિરના પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવને હવે કલાકોનો જ સમય બાકી છે, પરંતુ દેશભરમાં હમણાંથી રામમય માહોલ જોવા મળી રહ્યો છે. શ્રીરામ મંદિરના નિર્માણ માટે અનેક લોકોઍ યોગદાન આપ્યું છે. ત્યારે યોગદાન અપનારાઓમાં સુરતની ઍક 11 વર્ષીય બાળા ભાવિકા માહેશ્વરી પણ સામેલ છે. કથાવાચક અને મોટીવેટર ભાવિકાઍ પોતાની કથાઓના માધ્યમથી ૫૦ લાખ રૂપિયા જેટલી માતબર રકમ ભેગી કરીને આ ધનરાશિ શ્રીરામ જન્મભૂમિ મંદિર ટ્રસ્ટને અર્પણ કરી છે.
શ્રીરામ મંદિરના નિર્માણ માટે ટ્રસ્ટ વતી વર્ષ 2021માં સમર્પણ નિધિ ભેગી કરવા માટે અભિયાન શુરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે ભાવિકાએ પણ સમર્પણ નિધિમાં યોગદાન અપવાનો સંકલ્પ લીધો હતો. ત્યારબાદ ભાવિકાએ અનેક ઠેકાણે એક દિવસીય રામકથાનું આયોજન કરી આ કથાઓના માધ્યમથી 50 લાખ રૂપિયા ભેગા કર્યા હતા. ત્યારબાદ આ રૂપિયા ટ્રસ્ટના કોષાધ્યક્ષ ગોવિંદગિરી મહારાજને સમર્પિત કર્યા હતા. ભાવિકાની કથામાં નાના-નાના બાળકોએ પોતાના ગુલ્લક પણ ખોલીને મૂકી દીધા હતા. ત્યારે 3200કરોડની સમર્પણ નિધિમાં આ 50 લાખ રૂપિયાના યોગદાનની ઘટના અનોખી ઘટના જ કહી શકાય.