રિપોર્ટ@ગુજરાત: સાણંદમાં CM અને કેન્દ્રીય મંત્રીના હસ્તે સેમી કંડક્ટર પ્લાન્ટનું ખાતમુહૂર્ત

 
Semi Conductor Plant

અટલ સમાચાર, ડેસ્ક

સાણંદમાં માઇક્રોન ટેકનોલોજી પ્લાન્ટનું આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે અમદાવાદ-જામનગર વચ્ચે શરૂ થનારી વંદે ભારત ટ્રેનની જાહેરાત કરી હતી અને આ ટ્રેનને સાણંદ ખાતે પણ સ્ટોપેજ અપાશે. તેમણે કહ્યું કે, આગામી સમયમાં સાણંદ ખાતે વર્લ્ડ ક્લાસ રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભુ કરાશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે આગામી દિવસોમાં સેમી કંડક્ટર ચીપનું હબ ગુજરાત બનશે.

આજે સાણંદ જીઆઇડીસી ખાતે માઇક્રોન કંપનીની એસેમ્બલી અને ટેસ્ટિંગ ફેસિલિટીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ પ્રસંગે હાજર રહેલા કેન્દ્રીય રાજ્ય મંત્રી ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી રાજીવ ચન્દ્રશેખરે કહ્યું કે છેલ્લા 6 દિવસમાં દેશમાં ઘણું બધુ નવું થયું છે. દેશને નવી સંસદ મળી છે. આઝાદ ભારતના ઇતિહાસમાં સૌથી ભવ્ય ઇમારત મળી અને પ્રથમ મહિલા અનામત બિલ તૈયાર કરવામાં આવ્યું છે. ભારતમાં બનેલો આઇફોન 15 પણ લોન્ચ થયો છે. અને આજે સેમિ કંડકક્ટર માટે ભૂમિ પૂજન થઇ રહ્યું છે. તેમણે કહ્યું કે માઇક્રોનની ટીમે આ વ્યવસ્થા માટે ગુજરાત અને ભારત ભૂમિ પસંદ કરી તે માટે તેમને ધન્યવાદ છે. 

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ કાર્યક્રમમાં કહ્યું કે 2014માં મોબાઈલ નું ઉત્પાદન 70,000 કરોડ હતું અને આજે 3,65,000 કરોડ મોબાઈલનું મેન્યુંફેંકચરિંગ થઇ રહ્યું છે. આજથી 9 વર્ષ પહેલા 7 હજાર કરોડનું એકસપોર્ટ થતું હતું અને આજે 91,000 કરોડ નું એકસપોર્ટ થઈ રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે ઇલેક્ટ્રોનિક મેન્યુફેકચરિંગમાં પણ ઉત્તરોત્તર વધારો આવ્યો છે. હવે તો મોબાઈલ, ઇલેક્ટ્રોનિક, રેલવે, વિમાન તમામમાં ચિપ વપરાય છે . વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને વચન આપ્યું છે કે સેમી કંડકટર હબમાં ભારત નું નામ વિશ્વમાં સૌથી અવ્વલ કરવાનું છે.

આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન કરતાં કહ્યું કે, ૨૨૫૧૬ કરોડના રોકાણવાળા સેમી કંડક્ટર પ્લાન્ટનું આજે ખાત મૂહુર્ત થયુ છે અને 2 મંત્રીઓએ ગુજરાત અને મારા વખાણ કર્યા એટલે મારી જવાબદારી વધી છે.પીએમ મોદીની વિદેશ નીતિ અને વેપાર નીતિના લીધે અન્ય દેશો સાથેના વાણિજ્ય સંબંધો વધી રહ્યાં છે. મુખ્યમંત્રીએ કહ્યું કે વિશ્વના દેશો માટે રોકાણમાં ગુજરાત પ્રથમ પસંદગી બની રહ્યું છે.