દુર્ઘટના@ખેડાઃ વૃક્ષ સાથે CNG કાર અથડાતાં આગ લાગી, ચાલક ગાડીમાં જ ભડથું થયો

અટલ સમાચાર, ડેસ્ક
ખેડા જિલ્લાના માતર પંથકમાં ગઈકાલે બુધવારે રાત્રે કાર લઈને આવતો યુવાન એકાએક રોડની સાઇડના વૃક્ષ સાથે અથડાયા બાદ કારમાં આગ લાગતાં બળીને ભડથું થઇ ગયો હતો. આ બનાવ સંદર્ભે લીંબાસી પોલીસે ફરિયાદના આધારે અકસ્માતનો ગુનો નોંધ્યો છે. આકસ્મિક આગ લાગતાં યુવાને જીવ ગુમાવ્યો હોવાનું પોલીસ જણાવી રહી છે.
અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો
આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકાના નવાઘરા ગામે રહેતા 31 વર્ષીય જૈમિન ચંદુભાઈ પ્રજાપતિ પોતાની અલ્ટો કાર નં. (GJ 23 M 1745) ચલાવીને બુધવારની મોડી રાત્રે ખેડા જિલ્લાના માતરના માલાવાડા પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન રાત્રિના સાડાદશ વાગ્યાની આસપાસ ચાલકે એકાએક કાબૂ ગુમાવતાં પોતાની અલ્ટો કાર રોડની સાઈડના ઝાડમાં અથડાવી હતી. આ બાદ CNG કાર હોવાથી કારમાં એકાએક આગ લાગી ગઈ હતી, જેને કારણે કારચાલક જૈમિન પ્રજાપતિ કારમાં જ સળગીને ભડથું થઇ ગયા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ, મૃત્યુ પામનારા કારચાલક પોતે દૂધની ડેરીમાં ઓડિટર છે અને તેઓ ઓડિટના કામે આ પંથકમાં આવ્યા હતા. દરમિયાન પરત પોતાના ઘરે આવતી વેળાએ આ દુર્ઘટના સર્જાઈ છે. વધુમાં તેઓ પરિણીત હતા અને એક દીકરો પણ હોવાનું જાણવા મળ્યું હતું. બેભાન થયા કે પછી તેમણે બહાર નીકળવાનો પ્રયાસ કર્યો, પણ નીકળી ન શક્યા જેવા સવાલોનું રહસ્ય અકબંધ છે. જોકે આ બનાવ સંદર્ભે લીંબાસી પોલીસે તેમના સગાભાઈ રુચિર પ્રજાપતિની ફરિયાદના આધારે આકસ્મિક મોતનો ગુનો નોંધ્યો છે. તો બીજી બાજુ પોલીસે જણાવ્યું હતું કે કારમાં આકસ્મિક આગ લાગતાં ચાલક બળીને ભડથું થયા છે.