ઘટના@ગુજરાત: દુબઈથી દાણચોરી કરીને સોનું લાવનારનું જ અપહરણ, 4 ઇસમો ઝડપાયા, જાણો વધુ
અટલ સમાચાર, ડેસ્ક
અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ- SVPI ઉપર એક અજીબ પ્રકારની ઘટના સામે આવી છે. દુબઈથી દાણચોરી કરીને સોનું લઈને આવેલા એક વ્યક્તિનું અપહરણ કરવામાં આવ્યું છે. ગુજરાત ATSના અધિકારી તરીકેની ઓળખ આપી ત્રણ લોકોએ આ વ્યક્તિનું અપહરણ કરીને તેની પાસે રહેલ સોનું પડાવી લીધું. જોકે આ સમગ્ર મામલે એટીએસને જાણ થતા તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ બાદ ચોકાવનારા ખુલાસાઓ પણ સામે આવ્યા છે.
બરોડામાં રહેતા દાનિશ શેખને તેના મિત્ર ઝાકીર બોરાએ દુબઈથી ગેરકાયદેસર રીતે સોનું લઈ આવવાનું કહ્યું હતું,જેના બદલામાં તેને 20,000 રૂપિયા આપશે તેવું કહ્યું હતું.જેથી દાનિશ અમદાવાદથી દુબઈ પહોંચ્યો હતો અને ત્યાંથી ઝાકીરના માણસ રઈનીશ પાસેથી અંદાજિત 850 ગ્રામ એટલે કે 50 લાખની કિંમતનું કેપ્સુલ રૂપે સોનું લઈને અમદાવાદ પહોંચ્યો હતો. દાનિશ શેખને ઝાકીરભાઇના બે માણસો બરોડાથી કાર લઈને તેડવા માટે આવ્યા હતા.
દાનિશ અને તેને તેડવા આવેલા બે લોકો જ્યારે કારમાં એરપોર્ટથી બહાર નીકળ્યા ત્યારે અન્ય બે લોકોએ તેની ગાડી રોકી અને પોતાને ગુજરાત ATSના અધિકારી બતાવી તેમની કારમાં બેસી ગયા હતા.જે બાદ તે કારને નારોલ સર્કલ સુધી લઈ ગયા હતા.જ્યાંથી દાનિશને અન્ય કારમાં આવેલા વ્યક્તિની કારમાં બેસાડી ત્રણેય લોકો તેને એક ફ્લેટમાં લઈ ગયા હતા. ફ્લેટમાં ત્રણેયે પોતાની એટીએસના અધિકારીઓ તરીકેની ઓળખ આપી હતી અને દાનિશ દુબઈથી સોનુ લઈને આવ્યો છે તેની જાણ તેમને છે એવું કહ્યું હતું. તેમાંથી એક વ્યક્તિએ દાનિશને પોતાના મોબાઇલમાં તેનો પાસપોર્ટ અને ફોટો પણ બતાવ્યો હતો. જે બાદ દાનીશ પાસે રહેલું સોનું લઈને તેને ગીતામંદિર બસ સ્ટેન્ડ ખાતે મૂકી બરોડા રવાના કરવામાં આવ્યો હતો.
એટીએસના નામે એક વ્યક્તિનું અપહરણ કરી સોનું પડાવવાની સમગ્ર ઘટનાની એક અરજી એટીએસને મળી હતી. અરજીના આધારે એટીએસ દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવી હતી.તપાસમાં સામે આવ્યું કે હારૂન હાજીભાઈ શેખ, નગીનભાઈ પઠાણ, નદીમખાન પઠાણ અને અયુબખાન ટાઇ દ્વારા આ સમગ્ર કાવતરું રચવામાં આવ્યું હતું. એટીએસ દ્વારા ચારેયની અટકાયત કરી તેની પૂછપરછ કરતા એટીએસને મળેલી અરજી સાચી હોવાનું સામે આવ્યું હતું. એટીએસ દ્વારા સમગ્ર કેસની જાણ એરપોર્ટ પોલીસને કરવામાં આવી હતી. જેના આધારે એરપોર્ટ પોલીસ દ્વારા ફરિયાદી હારુન શેખની ફરિયાદ લઈને ચારેય આરોપીઓની ધરપકડ કરી છે.
ચાયેય આરોપીઓની ધરપકડ બાદ એરપોર્ટ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ કરતા મુંબઈનું કનેક્શન પણ સામે આવ્યું છે. પોલીસ દ્વારા અયુબ મુસાની પૂછપરછ કરતા સામે આવ્યું કે મુંબઈના એક અકબર નામના વ્યક્તિ દ્વારા અયુબખાનના મોબાઇલમાં આ ભોગ બનનાર ફરિયાદી દાનિશભાઈનો પાસપોર્ટ અને ફોટો મોકલવામાં આવ્યો હતો.જેના આધારે જ હારુનભાઈએ એરપોર્ટથી તેની ઓળખ કરી તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. જોકે પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે સમગ્ર કેસમાં એક મહિલા પણ સંડોવાયેલી છે.જેની પણ પોલીસ શોધખોળ હાથ ધરી છે. સમગ્ર કેસનો ભેદ ઉકેલવો પોલીસ માટે પણ પડકારજનક છે.કેમકે પોલીસ હવે તપાસ કરી રહી છે કે જે ભોગ બનનાર ફરિયાદી દાનિશ છે તેના દ્વારા જ સોનું પડાવવા માટે નાટક રચવામાં તો આવ્યું નથી ને?
પોલીસને એ પણ શંકા છે કે બરોડાના ઝાકીર કે જેણે દાનિશને દુબઈ સોનું લેવા મોકલ્યો હતો. તે જ ઝાકીરના માણસે તેને સોનું આપ્યું હતું તો તેના દુબઈના માણસ દ્વારા પણ આ પ્રમાણે નાટક રચવામાં તો આવ્યું નથી ને? પોલીસ હાલ તો આ સમગ્ર કેસની ભૂલથી ઉકેલવામાં અલગ અલગ ટીમો બનાવી તપાસ કરી રહી છે. સમગ્ર કેસમાં વધુ કોઈ આરોપીઓ છે કે કેમ તેની પણ પોલીસ તપાસ કરી રહી છે.તો સાથે જ ફરિયાદી એટલે કે ભોગ બનનાર દાનિશની અને આરોપીઓની પણ પોલીસ દ્વારા પૂછપરછ કરી સમગ્ર કેસનો ભેદ ઉકેલવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.