મર્ડર@સુરત: ચોરને મોબાઈલ નહીં આપતા યુવકની ચપ્પુના છ જેટલા ઘા મારી હત્યા

અટલ સમાચાર, ડેસ્ક
સુરતમાં વધુ એક ક્રાઇમની ઘટના સામે આવી છે. સુરતમાં સતત મોબાઇલ સ્નેચિંગનો આંતક વધી રહ્યો છે. સુરતમાં બે જગ્યાએ મોબાઇલ સ્નેચિંગની ઘટનાને અંજામ આપ્યા બાદ એક યુવકે આરોપીઓને મોબાઇલ આપવાની ના પાડતાં યુવકને મોતને ઘાટ ઉતારી દીધો હતો. યુવકે મોબાઇલ આપવાની ના પાડતાં આરોપીએ ચપ્પુના છ જેટલા ઘા મારી ફરાર થઇ ગયા હતા. આ મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
સુરતમાં દરરોજ મોબાઇલ સ્નેચિંગની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. આવા મોબાઇલ સ્નેચરોને પકડી પાડવા માટે સુરત પોલીસ ખાસ અભિયાન સાથે સતત પેટ્રોલિંગ કરે છે. પરંતુ આ મોબાઇલ સ્નેચરોને જાણે પોલીસની બીક રહી ના હોય તેમ સતત મોબાઇલ સ્નેચિંગની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. જોકે, આ મોબાઇલ સ્નેચરો હવે લોકોના જીવ લેતાં પણ ખચકાતા નથી. સુરતમાં બનેલી લૂંટ વિથ હત્યાની ઘટનાને પગલે સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ઉત્તર પ્રદેશના વતની સની ચૌહાણની મોડી રાત્રે હત્યા કરવામાં આવી હતી. મોબાઈલ સ્નેચરને મોબાઈલ નહીં આપતા ચપ્પુ મારી હત્યા કરવામાં આવી હતી. સુડા સેક્ટર નજીક કંપનીમાં કામ કરતા યુવાની હત્યા લઇને ચકચાર મચી જવા પામી છે. સચિન પોલીસે લૂંટ વિથ હત્યા ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. સચિન GIDC વિસ્તારમાં બાઇક પર આવેલા 3 લોકો બે મોબાઈલ લૂંટને અંજામ આપ્યા બાદ સચિન વિસ્તારમાં લૂંટ કરવા ગયા હતા. જ્યાં યુવાને મોબાઈલ નહીં આપતા 6 જેટલા ઘા મારી હત્યા કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. જ્યારે પોલીસે ગુનો દાખલ કરી આ મોબાઇલ સ્નેચરોને પકડી પાડવા માટેની કવાયત શરૂ કરી છે.