આક્ષેપ@ગુજરાત: કૃષિ રાહત પેકેજની જાહેરાત બાદ કિસાન કોંગ્રેસ ચેરમેનના સરકાર પર પ્રહાર
અટલ સમાચાર, ડેસ્ક
નર્મદા પુરગ્રસ્ત વિસ્તારમાં સરકારની સહાયની જાહેરાત પર કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયા આકરા પાણીએ જોવા મળ્યાં હતા. તેમણે આ મામલે પ્રતિક્રિયા આપતાં સરકાર પર પહેલા ઘાવ અને પછી મલમ લગાવવાનો આક્ષેપ કર્યો હતો. પાલભાઈ આંબલિયાએ નર્મદા નદીમાં આવેલા પૂરને કારણે ખેડૂતોને થયેલું નુકસાન કુદરતી નહીં પરંતુ માનવસર્જિત ગણાવ્યું હતું. અને માનવ સર્જિત નુકશાન હોય તો એ અંશતઃ નહિ પરંતુ તેનું સંપૂર્ણ વળતર મળવું જોઈએ. સરકારે આ નુકસાની નર્મદા નિગમના અધિકારીઓ અને રાજ્ય સરકારના મંત્રીમંડળ પાસેથી વ્યકિતગત વસુલ કરવું જોઈએ.
રાજ્ય સરકાર પર માત્ર પ્રસિધ્ધિ માટે જાહેરાતો કરતી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. તેમજ વિવિધ યોજનાઓ માત્ર કાગળ પર અને ટીવી પર જાહેરાતોમાં ચાલતી હોવાનું પણ જણાવ્યું હતું. રાજ્ય સરકારને બાગાયતી પાકો વાવતા ખેડૂતોને બેઠા કરવા લાંબાગાળાની તેમજ વગર વ્યાજે લોન આપવાનું સુચવ્યું હતું. સરકાર ખાલી જાહેરાત કરે છે પરંતુ બીપોરજોય વાવાઝોડા વખતે કરેલી જાહેરાતમાં કેટલા ખેડૂતોને સહાય આપી? સરકારે ડુંગળી બટાકામાં એક કિલોએ 2 રૂપિયા સહાય જાહેર કરી હતી. મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત ચાર વર્ષમાં એક ખેડૂતને એક રૂપિયાની સહાય કરી હોય તો સરકાર નામ જાહેર કરે.
ખેતી પાકોમાં 17000 કે 25000 હેકટરદીઠ વળતર એ પૂરતું નથી. બાગાયતી પાકોમાં નુકશાન એક વર્ષનું નહિ 3થી 5 વર્ષનું લાંબાગાળાનું નુકસાન છે એની સામે 1 લાખ 25 હજાર પૂરતી સહાય નથી. તૂટી ગયેલ બાગાયતી પાકને ખેતર બહાર કાઢવા JCB વાળા 1 લાખ માંગે છે. તો સરકાર કચરો બહાર કાઢવાના જ રૂપિયા આપે છે? રાજ્ય સરકારે બાગાયતી પાકો વાવતા ખેડૂતોને બેઠા કરવા લાંબાગાળાની વગર વ્યાજે લોન આપવી જોઈએ