રીપોર્ટ@ફતેપુરા: બોગસ બિલો કઢાવી કરોડો કમાવી આપતો નેતાનો શિષ્ય જાણો, તાલુકા પંચાયતમાં મોટો કાંડ

 
Fatepura

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

ફતેપુરા તાલુકા પંચાયતના વહીવટ વિશે ફરી એકવાર ચોંકાવનારી અને કથિત ભ્રષ્ટાચારથી ખદબદતી વિગતો સામે આવી છે. સ્થાનિક નેતાનો કોઈ એક શિષ્ય વારંવાર તાલુકા પંચાયતમાં આવી આપખુદ બની લાખો કરોડોના બોગસ બીલો કઢાવી રહ્યો છે. નેતાનો આ પરમ શિષ્ય એટલો બાહુબલી બની ગયો છે કે, જો કર્મચારીઓ ખોટા બિલો ના કાઢે તો ઉપરથી મોટું સેટિંગ્સ પણ પાડતો હોવાની બૂમરાણ મચી છે. મનરેગાના, ટ્રાયેબલના અને નાણાંપંચના અનેક બીલોમાં આ નેતા શિષ્યએ ભ્રષ્ટાચાર કરાવી પોતાના ગુરુ નેતાને કરોડોની કમાણી કરાવી આપી હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે. ગ્રાન્ટ આવવાની કે ગ્રાન્ટ રિલીઝ થવાની હોય એના 2 દિવસ પહેલાં આ શિષ્ય તાલુકામાં આવી જાય અને ધાર્યું કરાવીને જાય છે. આ નેતા શિષ્યના કાંડ કેવા અને અધિકારીઓને કેવી રીતે સુચના આપે તેનો સ્પેશિયલ રિપોર્ટ જાણીએ.

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાનો ગામમાં જ નહિ સમગ્ર જિલ્લામાં જેટલો દબદબો એટલો જ ભ્રષ્ટાચારનો પણ દબદબો છે. આ તાલુકામાં ભ્રષ્ટાચારની એટલી બધી બૂમરાણ છે કે, તમે તપાસ કરાવો તો લગભગ એક વર્ષ લાગી જાય તેવી નોબત છે. હવે આ ભ્રષ્ટાચારના આકાઓ કોણ અને કેવી રીતે કરે તેની લોકચર્ચા સાંભળી તો ખબર પડી કે, નેતાનો એક શિષ્ય મોટા કાંડ કરી રહ્યો છે. સ્થાનિક નેતાનો આ શિષ્ય ફતેપુરા તાલુકા પંચાયતમાં ગ્રાન્ટની સિઝનમાં આવીને લાખો કરોડોના બોગસ બિલો કઢાવી, પાસ કરાવી ધાર્યું નિશાન પાર પાડી રહ્યો છે. જે એજન્સીઓને ટેન્ડર પણ ના મળ્યું, હાલમાં કાર્યરત પણ ના હોય છતાં વિવિધ ગ્રાન્ટના બીલો બનાવી નાણાંની રોકડી કરાવી રહ્યો છે આ એનબી શિષ્ય.

સૂત્રોએ જણાવ્યું હતું કે, માત્ર વર્ષ 2023ની વાત કરીએ તો પણ અનેક ગામમાં લાભાર્થીઓને ખબર પણ નથી અને તેમના નામે કામો કર્યાના બીલો બનાવી મનરેગાનુ કરોડોનું કૌભાંડ આચર્યું છે. આ સાથે ટ્રાયેબલની ગ્રાન્ટમા પણ બોગસ બિલો આધારે સરેરાશ અડધા કરોડનો કાંડ કર્યો છે. ગાંધીનગરથી મનરેગાની સ્પેશિયલ તપાસ થાય અને જિલ્લા પંચાયતથી નાણાંપંચની પારદર્શક તપાસ થાય અને આ નેતા શિષ્યના કાંડના સીસીટીવી ફૂટેજ ચેક થાય તો સૌથી મોટો રાજકીય ભૂકંપ આવે તેમ છે. જોકે ધારાસભ્યના શિષ્ય આ નેતાનો દબદબો અને હાઉ એટલો છે કે, તપાસ કરવી/કરાવવી એ સૌથી મોટી હિંમત જેવું છે.

અધિકારીએ બોગસ બિલો ના કાઢવા રજા ઉપર જવું પડ્યું છતાં કાંડ કરાવ્યો

લોકચર્ચા મુજબ નેતાના આ શિષ્યએ બોગસ બિલો કઢાવવા અધિકારી ઉપર ખૂબ પ્રેસર કર્યું તો પ્રામાણિક અધિકારી રજા ઉપર જવાની તૈયારી કરી પરંતુ આ નેતાના શિષ્યએ જિલ્લામાંથી રજા નામંજૂર કરાવી પોતાનું ધાર્યું કરાવતાં ખળભળાટ મચી ગયો છે.