અપડેટ@દેશ: ટ્રક ચાલકોના ઠેર-ઠેર ચક્કાજામ અને વિરોધ પ્રદર્શન વચ્ચે જાણો શું છે નવો હિટ એન્ડ રનનો કાયદો ?
અટલ સમાચાર, ડેસ્ક
સંસદના શિયાળુ સત્ર દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં હિટ એન્ડ રનના કાયદા અંગે માહિતી આપતા કહ્યું હતું કે, અકસ્માત કરનાર કોઈ વ્યક્તિ ઘટના સ્થળે ભાગી જાય છે અને ઘાયલને વ્યક્તિને રસ્તા પર જ છોડી દે છે, તો તેને 10 વર્ષની સજા થશે. પરંતુ જો અકસ્માત સર્જનાર વ્યક્તિ ઘાયલને હોસ્પિટલ લઈ જશે તો સજા ઓછી થઈ જશે.
ઉલ્લેખનીય છે કે,હાલમાં પસાર થયેલા ત્રણ સંશોધન કરાયેલા ક્રિમિનલ લૉ બિલને 25મી ડિસેમ્બરે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ મંજૂરી આપી દીધી હતી. જ્યારબાદ હવે ભારતીય ન્યાય સંહિતા (Bharatiya Nyaya Sanhita), ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (Bharatiya Nagarik Suraksha Sanhita) અને ભારતીય સાક્ષ્ય સંહિતા (Bharatiya Sakshya Sanhita) બિલ હવે કાયદો બની ગયા છે. આ વિધેયકોને સંસદના શિળાળુ સત્ર દરમિયાન લોકસભામાં 20 ડિસેમ્બરે અને રાજ્યસભામાં 21 ડિસેમ્બર પસાર કરાયું હતું. રાજ્યસભામાં વિધેયકોને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તરફથી રજૂ કરાયા બાદ ધ્વનિ મતથી પસાર કરાયા હતા.
નવા કાયદા મુજબ જો વાહન સાથે અથડાનાર વ્યક્તિ ખોટી રીતે વાહનની સામે આવે છે અથવા ગેરકાયદેસર રીતે રસ્તો ક્રોસ કરે છે, તો આવા કિસ્સાઓમાં ડ્રાઇવરને રાહત મળશે. આવા કિસ્સાઓમાં, મહત્તમ 5 વર્ષની સજા અને દંડ થશે. જો ખોટી રીતે વાહન ચલાવવાને કારણે કોઈ સમસ્યા થાય તો ડ્રાઈવરને 10 વર્ષ સુધીની જેલ થઈ શકે છે. આ જોગવાઈ અંગે વાહનચાલકો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. ધુમ્મસના કારણે અકસ્માતો પણ થાય છે તેવું અનેક વાહન ચાલકોએ જણાવ્યું હતું. જો આવા મામલામાં 10 વર્ષની સજા પણ થાય તો આટલી મોટી સજા કોઈ ભૂલ વગર ભોગવવી પડશે.
મહેસાણામાં ડ્રાઈવર એસોસિએશન દ્વારા ખેરાલુ વૃંદાવન ચોકડી પર રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતુ. ખાનગી ટ્રકોના ડ્રાઇવરો આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા. ડ્રાઇવરોએ ટાયરો સળગાવી રસ્તા બ્લોક કર્યો હતો. નવા નિયમનો ટ્રક ચાલકો વિરોધ કરી રહ્યાં છે.અમદાવાદ, અંબાજી, વિસનગર ,સિધ્ધપુર તરફ જતા વાહન ચાલકો અટવાઇ ગયા હતા.પોલીસના બેરીકેટનો ઉપયોગ કરીને ડ્રાઇવરોએ રસ્તા રોક્યો હતો.પોલીસ ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક રાબેતા મુજબ કરાવ્યો હતો. મહીસાગરના બાલાસિનોર અમદાવાદ હાઈવે પર ટ્રક ડ્રાઈવરોએ ચક્કાજામ કર્યો હતો. ટ્રક ડ્રાઈવરો દ્વારા ગાડી રસ્તા પર મૂકી સરકારના કાયદા સામે વિરોધ નોંધાવામાં આવ્યો હતો અને ટ્રક ડ્રાઇવરો દ્વારા હાઇવે બ્લોક કરાયો હતો ટ્રક ડ્રાઈવરો દ્વારા માંગ કરવામાં આવી છે કે સરકાર દ્વારા જે કાયદો લેવામાં આવ્યો છે, તે પાછો ખેંચાય. ડાઈવરોની માંગ નહીં સંતોષાય ત્યાં સુધી હડતાળની ચીમકી ઉચ્ચારી છે.