વાતાવરણ@ગુજરાત: 11 શહેરોમાં તાપમાન 41 ડિગ્રીને પાર, જાણો ક્યારે મળશે અસહ્ય ગરમીથી રાહત ?

અટલ સમાચાર, ડેસ્ક
ગુજરાતમાં રવિવારે 11 શહેરોમાં તાપમાન 41 ડિગ્રીથી વધારે નોંધાયો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજથી રાજ્યમાં તાપમાનમાં ચાર ડિગ્રી સુધીનો ઘટાડો થવાની શક્યતા છે. જ્યારે આજે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ રહેશે અને પછીના બે દિવસ યલો એલર્ટ રહેવાનું છે.
રવિવારે જાણે ગરમીએ માજા મુકી હોય તેમ અમદાવાદ, પાટણની સાથે ભાવનગર રાજ્યનું હોટેસ્ટ સિટી બન્યા હતા. ભાવનગરની સાથે અમદાવાદ અને પાટણમાં મહત્તમ તાપમાન 43.5 ડિગ્રી નોંધાયું હતું. બાકીના શહેરોમાં તાપમાન 32થી 43 ડિગ્રી વચ્ચે રહ્યું હતું. બપોરના આગ ઓકતા તાપને કારણે રસ્તાઓ સૂમસામ બન્યા હતા. છેલ્લા છ દિવસથી આકાશમાંથી અગનવર્ષા થતી હોય તેવો અનુભવ થઇ રહ્યો છે. વૃધ્ધો અને બાળકો સાથે પશુ-પક્ષીઓની પણ હાલત કફોડી બની ગઈ છે.
હવામાન વિભાગે જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં પશ્ચિમ ઉતર પશ્ચિમના પવન ફૂંકાઇ રહ્યા છે. જેના કારણે રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. મહત્તમ તાપમાન 45 ડિગ્રીએ પહોચ્યું છે. આગામી 24 કલાક બાદ ગરમીમાંથી આંશિક રાહત મળશે. આગામી દિવસમાં મહત્તમ તાપમાન 2થી 4 ડિગ્રી ઘટવાનું અનુમાન છે. જોકે બંગાળની ખાડીમાં વાવાઝોડું સક્રિય છે અને અરબી સમુદ્રનો ભેજ ખેંચાવવાના કારણે ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધી ગયું છે.
હવે બંગાળની ખાડીમાં સક્રિય વાવાઝોડું નબળું પડશે અને પવનની દિશા બદલાશે જેના કારણે ગરમી ઘટવાનું અનુમાન છે. અમદાવાદ સહિત રાજ્યમાં આગ ઝરતી ગરમી પડી રહી છે ત્યારે ગરમી વધતા 108 ઇમરજન્સીમાં પણ કેસમાં વધારો નોંધાયો છે. રાજ્યમાં ગરમીના કારણે અંદાજે 9 હજારથી વધુ ઇમરજન્સી કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદમાં માત્ર 13 દિવસમાં 2 હજારથી વધુ કેસ સામે આવ્યા છે.