ધાર્મિક@અમદાવાદ: ઇસ્કોન મંદિરમાં જન્માષ્ટમીને લઈ કૃષ્ણ જન્મોત્સવની તૈયારીઓ, જાણો સમગ્ર કાર્યક્રમ

 
Iackon

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદના એસ.જી હાઈવે સ્થિત ઇસ્કોન મંદિરમાં દર વર્ષે જન્માષ્ટમીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઊજવવામાં આવે છે. દર વર્ષે આશરે 2 લાખથી વધારે શ્રદ્ધાળુઓ ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજીના દર્શનનો લાભ ઉઠાવે છે. આ વર્ષે ઇસ્કોન મંદિર દ્વારા તા. 07-09-2023 થી 10-09-2023 સુધી જન્માષ્ટમી તહેવાર ઉજવાશે.

આ વર્ષે જન્માષ્ટમી મહામોહત્સવ દરમ્યાન મંદિરમાં દર્શનાર્થીઓને દર્શન કરવા માટે સરળતા રહે એ રીતે સુલભ વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે સાથે મંદિરના પરિસરમાં ડિજિટલ સ્ક્રીનથી પણ દર્શન કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદના ભાવિક ભક્તો માટે મંદિર પ્રશાસન દ્વારા મંદિરના ફેસબુક તથા યુ-ટ્યૂબ પેજ પર લાઈવ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી ભક્તો ઘરે બેઠા-બેઠા ભગવાનના દર્શન, આરતી તથા મહા-અભિષેક નિહાળી શકે. મંદિર પરિસરમાં ભીડ ન થાય તેના માટે ખૂબ જ તકેદારી રાખવામાં આવશે. દર્શનાર્થીઓ માટે પૂરતી પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

જનમાષ્ટમીના દિવસે સવારે 04:30 વાગ્યે ભગવાનની મંગળા આરતી થશે. ત્યારબાદ 07:30 વાગ્યે ભગવાનને વૃંદાવનથી આવેલા વિશેષ વસ્ત્રો અને અલંકારોથી સુસજ્જિત કરી શ્રુંગાર દર્શન ખુલ્લા મુકવામાં આવશે. ત્યારબાદ ઇસ્કોન મંદિરમાં વરિષ્ઠ ભકતો દ્વારા કૃષ્ણ કથા કરવામાં આવશે અને ત્યારબાદ સવારે 9થી રાત્રીના 1 વાગ્યા સુધી 11000 હરિનામ સંકીર્તન જપયજ્ઞ અને અખંડ હરે કૃષ્ણ મહામંત્રની ધૂન ભક્તો દ્વારા કરવામાં આવશે. મંદિરના ગર્ભગૃહને 400 કિલોથી વધુ વિવિધ જાતના ફૂલોથી શણગારવામાં આવશે.

સમગ્ર મંદિરના પ્રાંગણને રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવ્યું છે. ઇસ્કોન મંદિરના ભક્ત પ્રહલાદ સ્કૂલના વિધાર્થીઓ દ્વારા સાંજે મંદિરની પાછળ ગાર્ડનમાં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજવામાં આવશે. સમગ્ર મંદિરને ગોકુલ થીમથી શણગારવામાં આવ્યું છે. રાત્રીના 11:30 કલાકે ભગવાનનો પંચામૃત, કેસર, ગંગાજળ અને વિવિધ પ્રકારના ફળોના રસો દ્વારા મહા-અભિષેક કરવામાં આવશે અને પછી 12:30 વાગ્યે મહાઆરતી કરવામાં આવશે.

આ દિવસે ભગવાનને 1008 વિવિધ વાનગીઓ જેમ કે મેક્સિકેન, ઇટાલિયન, થાઈ, ચાઇનીઝ, તથા ભારતની વિવિધ વાનગીઓ અર્પણ કરવામાં આવશે. ઉપરોક્ત સમગ્ર કાર્યક્રમ ભક્તો ઓનલાઈન ઇસ્કોન મંદિર ના ફેસબુક તથા યુ-ટ્યૂબ પેજ પર નિહાળી શકશે. જન્માષ્ટમીના દિવસે તમામ દર્શનાર્થીઓને પ્રસાદનું વિતરણ કરવામાં આવશે. જન્માષ્ટમીના બીજા દિવસે એટલે કે નંદોત્સવના દિવસે મંદિર પ્રસાશન દ્વારા 10,000 લોકોનું ભંડારા- પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે ઇસ્કોનના સંસ્થાપક આચાર્ય શ્રી શ્રીમદ્દ એ.સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદજીના 127મા આવિર્ભાવ દિનની પણ ઉજવણી કરવામાં આવશે. બપોરે 12વાગ્યે તમામ ભક્તો માટે પ્રસાદ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે.