રજૂઆત@સુરત: પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણીની ખાદ્ય પદાર્થમાં થતી ભેળસેળ મામલે કાયદો બનાવવા માંગ
અટલ સમાચાર, ડેસ્ક
સુરતના વરાછા વિસ્તારના દબંગ ગણાતા ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણી ફરી ચર્ચામાં આવ્યાં છે. અવારનવાર પાલિકા અને પોલીસ તંત્રને લેટર લખતાં કાનાણીએ આ વખતે મુખ્યમંત્રીને લેટર લખ્યો છે. જેમાં તેમણે ખાદ્યપદાર્થોમાં થતી ભેળસેળ અટકાવવા અને ભેળસેળ કરનાર સામે કડક કાર્યવાહી કરવાની માગ સાથનો લેટર લખ્યો છે.
પૂર્વ આરોગ્યમંત્રીનો વધુ એક લેટર બોમ્બ છૂટો મૂક્યો છે. જેમાં કુમાર કાનાણી મુખ્યમંત્રીને પત્ર લખીને ખાદ્ય પદાર્થમાં ભેળસેળ અંગે વાત છેડી છે. ભેળસેળ કરતા અને નકલી વસ્તુ બનાવતા લોકો સામે કાર્યવાહીની માગ કરી છે. કડક કાર્યવાહી કરવા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.
પત્રમાં કડક કાયદા બનાવવા માટે પણ માગ કરવામાં આવી છે. ભેળસેળ અને નકલી વસ્તુથી લોકોના આરોગ્યને નુકસાન થતું હોવાનું તેમણે લખતાં આગળ ઉમેર્યુ છે કે, પાંગળા કાયદાને કારણે નકલી વસ્તુ બનાવતા લોકો સામે કાર્યવાહી નથી થતી. જેથી મુખ્યમંત્રી આગામી વિધાનસભા સત્રમાં કાયદો બનાવે એવી પત્ર દ્વારા માગ કરવામાં આવી છે.