મુશ્કેલી@ગુજરાત: ભારે વરસાદથી રેલ વ્યવહાર ખોરવાયો, કચ્છ એક્સપ્રેસ વિરમગામમાં અટવાઈ

 
Kutch Express

અટલ સમાચાર, ડેસ્ક

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં અપાયેલી ભારેથી અતિભારે વરસાદની આગાહી બાદ ગઈકાલે શરૂ થયેલી મેઘમહેર હવે અનેક સ્થળે કહેર સમાન બની રહી છે. ખાસ કરીને ગતરોજ નર્મદા બંધમાંથી છોડાયેલી વિપુલ જળરાશી અને બાદમાં ખાબકી પડેલા વરસાદને લઈ ભરૂચ અને આસપાસ વિસ્તારમાં જળ ભારાવની સ્થિતિ નિર્માણ પામી છે, જળ ભરાવની અસર હવે રેલવે વ્યવહાર ઉપર પણ પડી રહી છે અને અનેક ટ્રેન અમદાવાદ સહિતના સ્ટેશન પર થોભાવી દેવામાં આવી છે. જેમાં ભુજથી રવાનગી પામેલી કચ્છ અને સયાજી એક્સપ્રેસ ટ્રેન પણ વચ્ચે અટવાઈ પડી છે.

ભુજથી મુંબઈ જવા કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં નિકળેલા મુસાફરે જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રે સમયસર ઉપડેલી ટ્રેન નિયત સમય મુજબ વિરમગામ રાત્રિના એક વાગ્યાની આસપાસ પહોંચી આવી હતી. જોકે ભરૂચ પાસે જળ ભરવાની સ્થિતિને લઇ છેલ્લા આઠ કલાકથી અહીં અટવાઈ પડયા છીએ. કેટલાક સહ પ્રવાસીઓ એવા પણ છે જેમને મુંબઈથી વિદેશની ફ્લાઇટ પકડવાની હતી. જોકે હવે રેલવે વિભાગ શું નિર્ણય લે છે તેના પર સૌની મીટ મંડાઇ છે.

આ દરમિયાન ગાંધીધામ રેલ અધિકારી મનીષ ગુપ્તાએ જણાવ્યું હતું કે, ભારે વરસાદના કારણે કચ્છ એક્સપ્રેસ ટ્રેન વિરમગામમાં અને સયાજી ટ્રેન ધ્રાગધ્રા સ્ટેશનમાં થોભાવી દેવામાં આવી છે, આ બન્ને ટ્રેનોને ટુંક સમયમાં પરત આવવા માટેની સૂચના આપવામાં આવશે, જ્યારે મુંબઈથી ઉપડેલી બન્ને ટ્રેન રાબેતા મુજબ નિયત સમયે પહોંચી આવી છે. કેટલી ટ્રેન અસર પામી છે તે અંગે હજુ કોઈ સત્તાવાર યાદી મુખ્ય કચેરી તરફથી મળી નથી.