રિપોર્ટ@ગુજરાત: ગર્ભવતી હોવાથી અગાઉ ઇન્ટરવ્યૂ ન આપી શકનાર મહિલાને હાઇકોર્ટના આદેશથી મળ્યો બીજો મોકો
અટલ સમાચાર, ડેસ્ક
GMDCમાં ફાઇનાન્સ અને એકાઉન્ટ વિભાગમાં આસિસ્ટન્ટ મેનેજરની જગ્યા પડ્યા બાદ કચ્છની એક મહિલાએ તેના માટે આવેદન કર્યું હતું અને તબક્કાવાર પરીક્ષાઓ પાસ કર્યા બાદ ડિસેમ્બરમાં GPSC દ્વારા તેના ઇન્ટરવ્યૂ લેવાયા હતા. પરંતુ સંજોગો વસાત બન્યું એમ કે મહિલા ગર્ભવતી થયા અને ઇન્ટરવ્યૂના દિવસો દરમિયાન ગાંધીધામથી ગાંધીનગર ઇન્ટરવ્યૂ આપવા આવવું તે અશક્ય હતું અને તેના માટે જ મહિલા દ્વારા GPSCને લેખિતમાં જાણ પણ કરવામાં આવી હતી, પરંતુ GPSC દ્વારા અગાઉ મહિલાની અરજીને ધ્યાનમાં લેવાઈ ન હતી.
ગર્ભાવસ્થાના અંતિમ દિવસો ચાલતા હોવાથી મહિલા ગાંધીધામથી ગાંધીનગર ન આવી શકી જેના કારણે તેનું ઇન્ટરવ્યૂ પણ ન થયું અને આ જ વાત લઈને મહિલાએ તેમના એડવોકેટ બ્રિજેશ રામાનુજ મારફતે ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા. ગુજરાત હાઇકોર્ટમાં ન્યાયાધીશ નિખિલ કેરીએલ દ્વારા મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને GMDC અને GPSCની ટીકા કરી અને મહિલા સાથે જાતીય અસંવેદનશીલતા દાખવવા માટે રોષ પણ વ્યક્ત કર્યો જે બાદ તબક્કાવાર રીતે હાઇકોર્ટમાં સુનાવણી પણ હાથ ધરાઈ અને અંતે ગુજરાત હાઇકોર્ટ દ્વારા 15 દિવસની અંદર મહિલાનો ઇન્ટરવ્યૂ લેવા માટે આદેશ આપવામાં આવ્યો. જે બાદ GPSCએ મહિલા માટે વિશેષ ઇન્ટરવ્યૂનું આયોજન કર્યું અને આજે જ્યારે તે પરિણામ જાહેર થયું ત્યારે તે મહિલાએ પોતાની કેટેગરીમાં પ્રથમ ક્રમાંક મેળવીને સૌ કોઈને ચોકાવી દીધા છે.