કાર્યવાહી@ડીસા: મોડીરાત્રે સેન્ટ્રલ ફૂડ વિભાગના દરોડા, શંકાસ્પદ એસેન્સનો જથ્થો મળી આવ્યો
અટલ સમાચાર, ડેસ્ક
આગામી તહેવારોને લઇ રાજ્ય સહિત કેન્દ્રનું ફૂડ અને ડ્રગ વિભાગ એલર્ટ બની ગયું છે. ગઈકાલે મોડી રાત્રે બનાસકાંઠાના ડીસામાં શંકાસ્પદ એસેન્સનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપાતા ટીમે દુકાન સીલ કરી એસેન્સના સેમ્પલ લઇ વધુ તપાસ હાથ ધરી છે. ખાસ કરીને તહેવારોને લઈ કેટલાક તત્વો વધુ નફો કમાવવાની લ્હાયમાં અખાદ્ય ચીજ વસ્તુઓનું વેચાણ કરી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા હોય છે. ત્યારે તહેવારોમાં આવી પ્રવૃત્તિઓને અટકાવવા માટે ગુજરાત રાજ્ય સહિત કેન્દ્રની ફૂડ અને ડ્રગ વિભાગ સાબદુ બન્યું છે.
ગઈકાલે મોડી રાત્રે બનાસકાંઠાના ડીસામાં પણ ગેરકાયદેસર રીતે એસેન્સનું વેચાણ કરતા નિલેશ ચોખાવાલાની દુકાનમાં દરોડા પાડ્યા હતા. સેન્ટ્રલ ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમે રીસાલા બજાર પાસે આવેલા નિલેશ ચોખાવાલાની દુકાનમાં તપાસ હાથ ધરતા શંકાસ્પદ એસેન્સનો જથ્થો મળી આવ્યો હતો. જેથી તેમણે તરત જ એસેન્સના સેમ્પલ લેવાની પ્રક્રિયા હાથ ધરી હતી અને અલગ અલગ 10 જેટલા સેમ્પલ લઈ તપાસ માટે એફએસએલમાં મોકલવાની તજવીજ હાથ ધરી હતી.
આ એસેન્સ મીઠાઈ સહિત અનેક પ્રકારની ખાર્ધ ચીજવસ્તુઓમાં ફ્લેવર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ખાસ કરીને ઘી અને તેલમાં તેનો મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે અને તે શરીર માટે પણ હાનિકારક હોય છે. જેથી ફૂડ વિભાગની ટીમે મોટા પ્રમાણમાં એસેન્સના જથ્થાને સિઝ કરી દુકાનને પણ સીલ કરી હતી.અત્યાર સુધી ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં ગુજરાત રાજ્ય એટલે કે ગાંધીનગર સુધીની જ ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમો આવી તપાસ હાથ ધરતી હતી પરંતુ આ વખતે સેન્ટ્રલ ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમના દરોડા પડતા અન્ય વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો હતો.