રિપોર્ટ@સિદ્ધપુર: પાઈપ લાઈનમાંથી મળેલા માનવ અંગો અંગે LCB કરશે તપાસ, થશે મોટો ઘટસ્ફોટ ?

 
Sidhdhpur

અટલ સમાચાર, ડેસ્ક

સિધ્ધપુરમાં પાણીની પાઈપ લાઈનમાંથી માનવ અવશેષો મળવા મામલે હવે ટુંક સમયમાં સંભવિત રીતે મોટો ખુલાસો થઈ શકે છે. આ મામલે વિસ્તૃત તપાસ શરૂ કરવામાં આવી છે. મહત્વનું છે કે, કેસની તપાસ પાટણ LCBને સોંપવામાં આવી છે. એવી માહિતી મળી રહી છે કે જે અવશેષો મળ્યા છે તે મહિલાના હોવાની ચર્ચાઓ શરુ થઈ ગઈ છે. ટુંક સમયમાં અવશેષ કોના છે તે અંગે વધુ માહિતી સામે આવી શકે છે. 

સોશિયલ મીડિયામાં મહિલાના અવશેષો મળ્યા હોવાની વિગતો વાયરલ થઈ રહી છે. જોકે LCB PI દ્વારા આ મામલે તપાસની વાત કરી છે. જે અવશેષો પાણીની પાઈપ લાઈનમાંથી મળ્યા છે તેની DNA તપાસ કરવામાં આવશે. જે બાદ તે સ્ત્રીના છે કે પુરુષના તે જાણ્યા બાદ આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવશે. 

સૂત્રોએ જણાવ્યું હતું કે, આ કેસના પડઘા ગાંધીનગરમાં પણ પડી શકે છે અને આ મામલે ઉચ્ચ તપાસ માટેના આદેશ આપવામાં આવી શકે છે. હાલ સ્થાનિક LCB ટીમ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. હજુ પણ સિધ્ધપુરમાંથી અવશેષો મળ્યા બાદ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે, બે દિવસ દરમિયાન મળેલા માનવ અંગો બાદ આ મામલો ગરમાયો છે. હવે આ ઘટના પાછળ કોનો હાથ છે મૃતક કોણ છે તે તમામ દિશામાં તપાસ આરંભવામાં આવશે.

આ ઘટના પાછળ કોની સંડોવણી છે અને જે અવશેષો કોના છે તે જાણવા માટે પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આ સાથે જ્યાંથી અવશેષો મળ્યા ત્યાં વધુ તપાસ પણ કરવામાં આવી રહી છે. સિધ્ધપુરમાં થોડા સમય પહેલા એક યુવતી ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી. હવે જ્યારે પાઈપ લાઈનમાંથી માનવ અંગો મળ્યા છે ત્યારે બન્ને કેસને જોડીને અનેક ચર્ચાઓ સ્થાનિકોમાં થઈ રહી છે. સ્થાનિકોમાં પણ આ પ્રકારની ઘટના બનતા અરેરાટી વ્યાપેલી છે. આપ્રકારનું કૃત્ય કોના દ્વારા આચરવામાં આવ્યું છે અને મૃતક વ્યક્તિ કોણ છે? તેવા સવાલો સ્થાનિકોને થઈ રહ્યા છે.