નિર્ણય@સમાજ: લેઉઆ પાટીદાર સમાજે કર્યા અનેક ફેરફારો, નવયુવાનને પ્રિય પરંતુ પરિવારને તકલીફ વાળી પ્રથા બંધ

 
Leua Patidar

અટલ સમાચાર, ડેસ્ક

બેતાળીશ લેઉઆ પાટીદાર મહિલાઓનો સામૂહિક સંકલ્પ લીધો છે, જેમાં કેટલાક મહત્વના સુધારા વધારા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજના સમયમાં થતી દેખાદેખી અને ખોટા ખર્ચ ટાળવા માટે આ મહત્વના સુધારા વધારા કરવામાં આવ્યા છે. જેમાં 53 ગામોની સમાજની મહિલાઓ સુધારા માટે ચળવળ ચલાવશે.

ઉત્તર ગુજરાતના 53 ગામોની લેઉવા પાટીદાર મહિલાઓનો સામુહિક સંકલ્પ લેવામાં આવ્યો છે તેમાં ફિલ્મો અને સિરિયલોનું આંધળું અનુકરણ ટાળવા માટેના પ્રયાસો પણ કરવામાં આવ્યા છે. આ સિવાય સમાજમાં જે પરંપરાઓ છે તેમાં ફેરફાર કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. 28મી મે 2023ના રોજ પાટણમાં 3000થી વધુ પાટીદાર મહિલાઓ કુરિવાજો ત્યજવા માટે સોગંદ લેશે જેમાં મહત્વના સુધારા વધારા અંગે પણ વાત કરવામાં આવશે. સમાજમાં નવા બંધારણ અને સ્ત્રીઓ દ્વારા જે સુધારાનો નિર્ણય લેવામાં આવ્યો છે તેને આવકારવામાં આવી રહ્યો છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાત સહિત રાજ્યની બેતાળીશ લેઉવા પાટીદાર સમાજની 3000 બહેનો આ મહિનાની 28મી તારીખે સામૂહિક સંકલ્પ લેવાની છે. મહત્વનું છે કે અગાઉ 1958માં ઘડવામાં આવેલા 42 લેઉવા પાટીદાર સમાજના બંધારણના 65 વર્ષ બાદ સૌપ્રથમવાર બહેનો દ્વારા ફેરફાર કરવામાં આવી રહ્યા છે. દેખાદેખી પાછળ આડેધડ થતા ખર્ચાના કારણે મધ્યમ અને ગરીબ પરિવારોની કમર તૂટી રહી છે તે જોતા પરિવારોની સામાજિક પ્રતિષ્ઠા જળવાય તેવા મુખ્ય ઉદ્દેશ્ય સાથે આ ફેરફારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ સાથે હોળી નિમિત્તે, મરણ પ્રસંગે, સીમંત જેવા પ્રસંગોમાં જે કવર આપવાની પ્રથા છે તેને બંધ કરવાનો નિર્ણય પણ નવા બંધારણમાં ઉમેરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સિવા સ્મશાન યાત્રા દરમિયાન પિત્તળનું બોઘેણું કે ઘડાની જગ્યાએ માટીની દોણી રાખવાનો પણ નિર્ણય રૂપપુર ગામની બહેનો દ્વારા કરવામાં આવ્યો છે. આ સાથે બાળકોના જન્મ વખતે પેંડા વહેંચ્યા બાદ તેના બદલામાં રૂપિયા આપવા નહીં. સોગોડીયા ગામની બહેનો દ્વારા રિસેપ્શનમાં કવર આપવાનું, લગ્ન દરમિયાન ફટાકડા ફોડવાનું, બાબરી સમયે કવર આપવા જેવા મુદ્દા પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.