વાયરલ@ગુજરાત: કાર અને બાઇક અથડાયા, અકસ્માતના લાઇવ દ્રશ્યો કેમેરામાં કેદ, જુઓ વિડીયો

અટલ સમાચાર, ડેસ્ક
ગુજરાતમાં વધુ એક અક્સમાતની ઘટના સામે આવી છે. વિગતો મુજબ વલસાડના વેજલપુર ગામ નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર સાથે ટક્કર થયા બાદ બાઈક ચાલક અડફેટે આવતા રોડ પર ફંગોળાયો હતો. આ વખતે રોડ પરથી પસાર થઈ રહેલા અન્ય વાહનો પણ અકસ્માતથી માંડ માંડ બચ્યા હતા. જાહેર રોડ પર બનેલા આ અકસ્માતના લાઈવ દ્રશ્યો એક કારમાં લગાવેલા કેમેરામાં કેદ થઈ ગયા હતા. જેનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
ઘટનામાં બાઈક સવાર યુવકને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. બનાવની વિગત મુજબ વલસાડના વેજલપુર નજીક મુખ્ય રસ્તા પર એક બાઈક ચાલક પૂર ઝડપે પસાર થઈ રહ્યો હતો. આ સાથે જ સુરતના જીતેન્દ્રભાઈ નામના એક કાર ચાલક પણ પોતાની પત્ની સાથે વલસાડથી સુરત તરફ જઈ રહ્યા હતા. ત્યારે વેજલપુર નજીક પહોચતા બાઇક અને કાર સામસામે અથડાયા હતા.
વાહનોની ટક્કર બાદ બાઈક ચાલક રોડ પર ફંગોળાયો હતો. આ વખતે રોડ પરથી પસાર થઈ રહેલા અન્ય વાહનો પણ અકસ્માતનો ભોગ બનતા માંડ માંડ બચ્યા હતા. વલસાડના વેજલપુરમાં બનેલી આકસ્માતની ઘટનાના લાઈવ દ્રશ્યો પાછળથી આવી રહેલી એક કારના ડેશબોર્ડ પર લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. આ અકસ્માતનો લાઈવ વીડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. તો આ મામલે પોલીસે પણ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.