રિપોર્ટ@સહકાર: લાંચમાં ઝડપાયેલ અધિકારી લોખંડે સામે ઢીલાશ મૂકી કોર્ટમાં બચાવ્યા, ધારાસભ્યની ગંભીર ફરિયાદ
અટલ સમાચાર, ડેસ્ક
પાટણના કોંગી ધારાસભ્ય ડો.કિરીટ પટેલ દ્વારા PM મોદી અને CM ભુપેન્દ્ર પટેલને પત્ર લખીને ગંભીર આક્ષેપ કર્યો છે.તેમને પત્રમાં કહ્યું છે કે, લાંચિયા અધિકારી મનોજ લોખંડે રાજકોટ ખાતે લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. છતાં તેમને ઉતરોતર પ્રમોશન આપવામાં આવ્યું છે આજે તેઓ સરકારના નિયામક બની ગયા છે ત્યારે આ મામલે સરકારે સત્વરે કાર્યવાહી કરવી જોઈએ.
ઉત્તર ગુજરાતની પાટણ વિધાનસભાના કોંગ્રેસ ના ધારાસભ્ય પત્રમાં લખ્યું છે કે, રાજકીય મહેરબાનીથી ગાંધીનગર ખાતે મહત્વની સંયુક્ત રજીસ્ટ્રાર સહકાર અને ઇન્ચાર્જ ડાયરેકટર એગ્રિકલ્ચર માર્કેટીંગ એન્ડ રૂરલ ફાયનાન્સ તરીકે ફરજ બજાવતા મનોજભાઈ લોખંડે, જયારે રાજકોટ ખાતે જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીમાં કાર્યરત ત્યારે તેમની સામે ACB દ્વારા લાંચનો ગુનો નોધી તેઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં તેઓને બચાવાવના બદ ઈરાદાથી સરકારી સાક્ષી તથા તપાસણી અધિકારી દ્વારા યોગ્ય પુરાવા રજુ ન કરવાના કારણે શંકાનો લાભ આપી તારીખ 30-11-2022ના રોજ રાજકોટની સેશન્સ કોર્ટ દ્વારા છોડી મુકવામાં આવ્યા હતા.
એ સાથે તેમને ઉમેર્યું હતું કે, ACB ના આવા કિસ્સામાં કાયદા વિભાગ દ્વારા તમામ કિસ્સાઓમાં હાઇકોર્ટમાં પિટિશન કરવા જણાવેલ છે અને રાજય સરકારના પરિપત્રો મુજબ આવા ભ્રષ્ટાચારના કેસમાં સંડોવાયેલા અધિકારીઓને સવેદનશીલ જગ્યાએ ના મુકવાનો પરિપત્ર હોવા છતાં તેઓ વિરુદ્ધ કેસ ચાલુ હતો તે દરમિયાન પણ તેઓને મહેસાણા અને પાટણ ખાતે મહત્વની જગ્યા પર મુકેલ અને તેઓને બચવવા માટે આજદિન સુધી તેમની સામે કોઈ અપીલ દાખલ થયેલ નથી અને ઉલટાનું મનોજ લોખંડને રાજ્ય સરકાર દ્વારા નિયામક જેવી મહત્વની જગ્યાનો ચાર્જ આપેલ છે.
કિરીટ પટેલ દ્વારા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, રાજકીય ઓઠા નીચે સહકાર મત્રી કે કાયદામંત્રીના આશીર્વાદથી કે કયા કારણસર તેઓ સામે કોઈ કાર્યવાહી થયેલ નથી. રાજ્યના અન્ય કર્મચારીઓને સામાન્ય બાબતમાં ચાર્જશીટ અપાય છે કે ફરજ મોકૂફ કરાય છે ત્યારે આવા લોકોને મલાઈ કોના આશિર્વાદથી મળે છે તે સમજાતું નથી. તેમણે જણાવ્યું હતું કે, તે પોતાને કાયદા મંત્રીના નજીકનો ગણાવતો કર્મચારી પી.કે. ચૌહાણ, હેડ ક્લાર્ક નિયામક ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર ગાંધીનગરની કચેરી કે જે સતત કાયદા મંત્રીની કચેરીમાં જોવા મળે છે તથા કાયદા મંત્રીના સલાહકાર તરીકે પોતાની ઓળખ આપે છે. જેના કારણે કાયદા મંત્રીની કચેરીના દબાણના કારણે મનોજ લોખંડ સામે કોઈ પીટીશન આજદિન સુધી દાખલ થયેલ નથી તેવું પણ ચર્ચાય છે, જે ઘણી ગંભીર બાબત છે.