રિપોર્ટ@ગુજરાત: અમદાવાદથી અયોધ્યા માટે ટ્રેનોમાં લાંબુ વેઇટિંગ, ખાનગી બસોનું ભાડુ 5 હજારે પહોંચ્યું
અટલ સમાચાર, ડેસ્ક
અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્ત્સવ 22 જાન્યુઆરીએ યોજાવા જઇ રહ્યો છે. અયોધ્યામાં રામ ભક્તો મોટી સંખ્યામાં પહોંચવા લાગ્યા છે. અયોધ્યા જવા માટે તોતિંગ એરફેર અને ટ્રેનોમાં લાંબુ વેઇટિંગ જોવા મળી રહ્યું છે. બીજી તરફ ભક્તો હવે ખાનગી બસો તરફ વળ્યા છે. અયોધ્યા જવા માટે ભક્તોની ભારે ભીડને કારણે ભાડામાં પણ વધારો થયો છે. ખાનગી બસ ઓપરેટરો ભક્તોની ભારે ભીડને કારણે અયોધ્યા જવાના પાંચ હજાર રૂપિયા કરતા વધુ રૂપિયા વસુલ કરી રહ્યાં છે. અયોધ્યા ખાતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની ઘડીઓ ગણાઇ રહી છે અને ભક્તો રામલલાના દર્શન માટે અધીરા બન્યા છે. અમદાવાદથી અયોધ્યા જવા માટેનું વન વે એરફેર રૂપિયા 16 હજાર જ્યારે રેલ્વે બૂકિંગ 200ને પાર થઇ જતાં અનેક લોકો હવે 31 કલાકથી વધુની મુસાફરી છતાં બસ મુસાફરી ઉપર પણ પસંદગી ઉતારી રહ્યા છે.
અયોધ્યા જવા માટે ખાનગી બસના ગ્રૂપ બૂકિંગમાં છેલ્લા એક સપ્તાહથી ભારે ઉછાળો આવ્યો છે. અનેક સોસાયટીઓ-મંડળો અયોધ્યા માટે ખાનગી બસ બૂક કરાવી રહ્યા છે. અમદાવાદથી અયોધ્યા માટે સપ્તાહ અગાઉ એક પણ નવી બસ નહોતી પરંતુ અયોધ્યા માટેનો ધસારો જોઇને ખાનગી બસ સંચાલકોએ છેલ્લા બે સપ્તાહમાં અમદાવાદથી સીધી અયોધ્યા પહોંચાડતી નવી બસ શરૂ કરવામાં આવી છે. હાલ અમદાવાદથી સીધી અયોધ્યા માટે 10 ખાનગી બસો છે. જેમાં ટિકિટના દર રૂપિયા 1500થી રૂપિયા 5200 સુધી છે.
આ બસ રાત્રે 9ના અમદાવાદથી રવાના થઇને 31 કલાક બાદ સવારે 6 કલાકના અયોધ્યા બાય પાસ સુધી પહોંચાડે છે જ્યાંથી અયોધ્યા પહોંચવા બીજા વાહનની મદદ લેવી પડે છે. આ સ્લિપર બસમાં વાંચવા માટેની લાઇટ,ચાાર્જીંગ પોઇન્ટ જેવી સુવિધા હોય છે. અનેક લોકો અમદાવાદથી લખનૌ પહોંચાડતી બસ ઉપર પણ પસંદગી ઉતારી રહ્યા છે. રામભક્તોને નિ:શુલ્ક અયોધ્યા લઇ જવા માટે પણ અનેક સંસ્થાઓ આગળ આવી છે. મહત્ત્વપૂર્ણ છે કે અમદાવાદથી અયોધ્યા પહોંચવા માટે ફ્લાઇટમાં 1.50 કલાક અને ટ્રેનમાં 29 કલાક જ્યારે બસમાં 32 કલાક જેટલો સમય થાય છે.