હાલાકી@બાયડ: ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર, સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા
Updated: Sep 18, 2023, 13:43 IST
અટલ સમાચાર, ડેસ્ક
સમગ્ર રાજ્યમાં મેઘમહેર જોવા મળી છે. રાજ્યના અરવલ્લીના બાયડમાં મધરાતે વરસેલા ભારે વરસાદથી રહીશોએ હાલાકી વેઠવી પડી હતી. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો અને સોસાયટીમાં જળ સ્તર વધતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા હતા. મળતા અહેવાલ પ્રમાણે બાયડની શ્રીનાથજી સોસાયટીમાં કેડસમા પાણી ભરાયા હતા.
જેથી મધરાતે નાના બાળકો સહિત 15 લોકોને રેસ્કયુ કરાયા હતા. ઉલ્લેખનીય છે કે સરકારી તંત્ર, NDRF , ફાયરબ્રિગેડ અને પોલીસ તંત્ર તમામ સ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના સંખ્યાબંધ જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો છે. મોડાસા નગર પાલિકાની ફાયર વિભાગની ટીમ પહોંચી હતી. તમામને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. હજુ પણ બાયડમાં નીચાણવાળા વિસ્તારોમાં અને સોસાયટીમાં પાણી ભરાયેલા છે.