વાતાવરણ@ગુજરાત: હવામાન વિભાગની મોટી આગાહી, રાજ્યમાં હજી બે દિવસ આ જિલ્લાઓમાં મેઘમહેર જામશે

ગુજરાતમાં બે દિવસ ભારે વરસાદની આગાહી, અમદાવાદ,ગાંધીનગર,વડોદરામાં પડશે ભારે વરસાદ
 
Monsoon

અટલ સમાચાર, ડેસ્ક 

ગુજરાતમાં હજી પણ અમુક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે રાજ્યમાં બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં બે દિવસ મેઘરાજા તૂટી પડશે. નોંધનીય છે કે, ગઈકાલે મોડી રાત્રે અમદાવાદમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. જેના લીધે અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. તેમજ સવાર-સવારમાં વાહનચાલકોએ પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં ત્રણ દિવસ સુધી સાર્વત્રિક વરસાદ વરસશે.

ગુજરાતમાં આજ બપોર સુધીમાં કુલ 120 તાલુકામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. જેમાં આજે સૌથી વધુ ભુજ અને બારડોલીમાં સવા 4 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. એ સિવાય વેરાવળ અને વાસંદામાં 3-3 ઈંચ વરસાદ, વાપીમાં પોણા 3 ઈંચ વરસાદ, કોડીનાર, પલસાણામાં અને ધરમપુરમાં સવા 2 ઈંચ વરસાદ, ઉપલેટા, લિલિયા અને નાંદોદમાં સવા 2 ઈંચ, વઘઈ અને ખેરગામમાં 2-2 ઈંચ વરસાદ અને માંડવી તેમજ પારડીમાં પોણા 2 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, દ્વારકાના ભાટીયામાં ધોધમાર વરસાદ વરસતા ભાટીયા ભોગાત રોડ પર પાણી ફરી વળ્યાં. જેના લીધે અવરજવરમાં વાહનચાલકોએ પરેશાન થવાનો વારો આવ્યો. રસ્તામાં ધસમસતા પાણીના પૂર ફરી વળ્યાં છે. ભાટિયામાં હાલ જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે.બીજી બાજુ ઉપલેટાના મોટી પાનેલીનો ફૂલજર ડેમ ઓવરફ્લો થયો છે. ઉપલેટાના પાનેલીમાં 6 ઈંચ જેટલો વરસાદ વરસતા ડેમમાં પાણીની આવક વધી છે. આથી ગામવાસીઓએ નવાનીરના વધામણાં કર્યા.