ઝટકો@કોંગ્રેસઃ કરજણના MLA અક્ષય પટેલે રાજીનામું આપતાં હડકંપ
અટલ સમાચાર, ડેસ્ક
કૉંગ્રેસ પાર્ટીને વધુ એક ફટકો પડ્યો છે. મળતી માહિતી પ્રમાણે કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે રાજીનામું ધરી દીધું છે. અક્ષય પટેલ છેલ્લા થોડા સમયથી કૉંગ્રેસની નેતાગીરીથી નારાજ હોવાની માહિતી મળી રહી છે. રાજીનામું મળ્યાના સમાચાર આવ્યા બાદ અક્ષય પટેલે તેમનો મોાબાઇલ ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
વડોદરા જીલ્લાના કરજણ તાલુકાના ધારાસભ્યના રાજીનામા પર વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ટ્વીટ કરીને કહ્યું છે કે, ધમણની કમાણીથી હવે ધારાસભ્યોને ખરીદવાની દુકાન શરૂ કરી દેવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે અક્ષય પટેલ બાદ કૉંગ્રેસના વધુ પાંચ જેટલા ધારાસભ્યો ટૂંક સમયમાં રાજીનામાં ધરી શકે છે. આ ધારાસભ્યોમાં કપરાડા ધારાસભ્ય જીતુ ચૌધરી, ઠાસરાના ધારાસભ્ય કાંતિ પરમાર, પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ, પાલનપુરના ધારાસભ્ય મહેશ પટેલ અને ભિલોડાના ધારાસભ્ય અનિલ જોષિયારાનો સમાવેશ થાય છે.
કરજણના ધારાસભ્યના રાજીનામા પહેલા કૉંગ્રેસના પાંચ ધારાસભ્યો પહેલા જ રાજીનામાં આપી ચુક્યા છે. આ ધારાસભ્યોમાં ગઢડાના ધારાસભ્ય પ્રવિણભાઈ મારૂ, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, ધારીના ધારાસભ્ય જે.વી. કાકડીયા, લીંબડીના ધારાસભ્ય સોમાભાઈ પટેલ અને ડાંગના ધારાસભ્ય મંગળભાઈ ગાવિતનો સમાવેશ થાય છે. આ તમામ લોકોને કૉંગ્રેસ પાર્ટીએ પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા છે.