વડોદરા: શ્રીલંકાનો પ્રવાસ કરીને આવેલા કોરોનાગ્રસ્ત મહિલાનું મોત
વડોદરા: શ્રીલંકાનો પ્રવાસ કરીને આવેલા કોરોનાગ્રસ્ત મહિલાનું મોત

અટલ સમાચાર,ડેસ્ક

વડોદરામાં છેલ્લા 24 કલાકમાં ત્રણ કોરોના પોઝિટિવ કેસ નોંધતા ચિંતા વધી રહી છે. શહેરમાં કોવિડ 19થી વધુ એક મરણ થયું છે. જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે જણાવ્યું કે, શહેરનાં 62 વર્ષની ઉંમરના કોરોનાગ્રસ્ત મહિલાનું આજે સવારે સારવાર દરમિયાન સયાજી હોસ્પિટલમાં મરણ થયું હતું.આ મહિલા શ્રીલંકાના પ્રવાસેથી પાછા ફર્યા પછી 18મી માર્ચે દવાખાનામાં દાખલ થયા હતા. જ્યાં કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. નિર્ધારિત પ્રોટોકોલ પ્રમાણે તેમની સઘન સારવાર કરવામાં આવી હતી. જોકે, આજે સવારે તેમનું દુઃખદ અવસાન થયું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ સાથે વડોદરામાં કોરોનાથી એક પુરુષ અને એક મહિલા એમ બે મરણ થયા છે. છેલ્લા 24 કલાકમાં વડોદરામાં ત્રણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. તેને લઇને આરોગ્ય તંત્ર વધુ સતર્ક થયુ છે. આ સાથે વડોદરા પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડી વડોદરામાં સામાજિક સંસ્થાઓ અને વ્યક્તિગત્ત દાતાઓ દ્વારા ફૂડ પેકેટ અને ખાદ્ય પદાર્થો વિતરણ પર મનાઈ ફરમાવવામાં આવી છે.

વડોદરા જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે જણાવ્યું કે, એક 15 વર્ષની ઉંમરનો કિશોર અને 27 વર્ષની ઉંમરના યુવાનનો કોરોના વાયરસનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. વડોદરાના કોરોના પોઝિટિવની સંખ્યા વધીને હવે 12 થઇ છે. આ લોકોના સેમ્પલ ગઇકાલે લેવામાં આવ્યા હતા. એમને હાલમાં ગોત્રી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. મહત્વનું છે કે, વડોદરામાં કુલ 12 કોરોનાગ્રસ્ત પૈકી 5 લોકો સાજા થઈ જતા તેમને રજા આપવામાં આવી છે. નવા બે કેસ સહિત 5 લોકો ગોત્રી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 2 દર્દીઓના મૃત્યુ થયા છે. હવે સયાજી હોસ્પિટલમાં કોઈ સારવાર હેઠળ નથી.