આસ્થા@જુનાગઢ: ભજન-ભોજન-ભક્તિના ત્રિવેણી સંગમ સમા મહાશિવરાત્રિના મેળાનો પ્રારંભ

 
Junagadh Maha Shivaratri

અટલ સમાચાર,ડેસ્ક 

જૂનાગઢના ભવનાથના શિવરાત્રીના મેળાની આજથી શરૂઆત થઈ ગઈ છે. આ મેળો નાગા બાવા અને ભારતભરમાંથી આવતાં સાધુ સંતોથી ઓળખાતો પવિત્ર અને પ્રાચીન પરંપરાથી યોજાય છે. ચાર દિવસના મહાશિવરાત્રી મેળામાં લાખો શ્રદ્ધાળુઓ દેશ-વિદેશથી આવતા હોય છે. ત્યારે આગામી ચાર દિવસ સુધી ભવનાથ તળેટી ખાતે શિવ ઉપાસકો નાગા સંન્યાસીઓ અને દુર દૂરથી આવતા ભાવિકોની આ પવિત્ર મેળાની મજા માણશે. 

અખાડાના મહામંડલેશ્વર હરી ગીરી મહારાજ અને મહામંડલેશ્વરો,ભક્તો, ભવનાથના સાધુ સંતો જૂનાગઢના સત્તાધીશોની ઉપસ્થિતિમાં ભવનાથ મંદિરના હર હર મહાદેવના નાદ સાથે પૂજા અર્ચના કરી વિધિવત ભક્તિમય વાતાવરણ વચ્ચે મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો છે. અલગ અલગ દેશમાંથી આવેલા નાગા સંન્યાસીઓએ મેળામાં પાવનકારી ધજા પૂજનનો ભાગ લીધો હતો અને ધન્યતા અનુભવી હતી.ત્યારે પવિત્રતાથી ઢંકાયેલી ભવનાથ તળેટી આદિ-અનાદિ કાળથી ચાલતી આવતી પાવનકારી પરંપરાઓ મુજબ નોમના દિવસે ભવનાથ મહાદેવની ધર્મ ધજાનો ધાર્મિક મંત્રોચ્ચાર સાથે પૂજન વિધિ કરવામાં આવે છે.

ચાર દિવસ સુધી ભાવ, ભજન,અને ભક્તિનો રંગ 

આ મેળામાં ભાગ લેવા માટે દેશના ખૂણે ખૂણેથી ભાવિકોનો અભૂતપૂર્વ ધસારો થશે. ભજન ભોજન અને ભકિતનો ત્રિવેણી સંગમ રચાશે’ અને મહાશિવરાત્રીની રાત્રિએ દિગંબર સાધુઓના મૃગીકુંડમાં સ્નાન અને ભવનાથ મહાદેવની મહાઆરતી સાથે મેળો સંપન્ન થશે. ભવનાથ મંદિરના મહંત હરી ગીરીબાપુ, રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના ઇન્દ્રભારતી બાપુ, મહામંડલેશ્વર મહેન્દ્રાનંદગીરી મહારાજ, ભારતી આશ્રમના મહામંડલેશ્વર હરિહરાનંદ બાપુ મહાદેવ ભારતી બાપુ,મુક્તાનંદ બાપુ, પ્રેમગીરી મહારાજ, કિન્નર અખાડા, મનપા તંત્ર, વહીવટી તંત્ર .શૈલજા દેવી ઉપરાંતના સંતો મહંતો તથા ધારાસભ્ય મેયર ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા, સ્ટેન્ડિંગ ચેરમેન હરેશભાઇ પરસાણા, સહિતના અધિકારીઓ તેમજ વિવિધ ક્ષેત્રના રાજકીય આગેવાનો ની હાજરીમાં ભવનાથ મંદિર ઉપર ધાર્મિક વિધિથી ધ્વજા રોહણ કરી પારંપરિક અને ભાતીગળ મેળાનો શુભારંભ કરાયો છે.

આ તરફ મહામંડલેશ્વર મહેન્દ્રાનંદ ગીરી મહારાજે શિવરાત્રીના મેળાની શરૂઆત થતા જણાવ્યું હતું કે, આજે ભવનાથમાં જૂના અખાડામાં, આવાહન અખાડામાં, અગ્નિ અખાડામાં અને ભારતી આશ્રમ ખાતે તમામ જગ્યાએ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. જે મેળાની પરંપરા છે તે અનુસાર આજથી મેળો ખુલ્લો મુકવામાં આવ્યો છે. શિવરાત્રિના મેળામાં તમામ પ્રકારના અન્નક્ષેત્રો શરૂ કરી દેવામાં આવ્યા છે અને ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ સાથે ભારત વર્ષનો શ્રેષ્ઠ મેળો એટલે શિવરાત્રિનો મેળો... આજથી મેળાની શરુઆત થઈ છે, જે તારીખ 15થી 18 સુધી મેળો રહેશે. 18 તારીખે શિવરાત્રિની રાત્રે નાગા સાધુઓની રવેડી નીકળશે અને મૃગી કુંડમાં શાહી સ્નાન થશે અને મેળાની પૂર્ણાહુતિ થશે. બીજા દિવસે ગોલા પૂજન શરૂ કેરી દેવામાં આવશે.