કાર્યવાહી@મહેસાણા: રોડમાં લાલિયાવાડી કરતાં ચેતજો, કોન્ટ્રાક્ટર અને સરકારી ઈજનેરો વિરુદ્ધ ગુનો દાખલ

 
M

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

મહેસાણા જિલ્લામાં રોડ, હાઈવેની કામગીરીમાં હવે લાલિયાવાડી કરનારાને ચેતવણીરૂપ દાખલો સામે આવ્યો છે. માર્ગ મકાન વિભાગના કામમાં જો લાલિયાવાડી કરી તો હવે ખેર નથી તેવી ઘટના પ્રકાશમાં આવી છે. રોડ બનાવનાર કોન્ટ્રાક્ટર અને કાર્યપાલક ઇજનેર સહિત 5 વ્યક્તિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મહેસાણા જિલ્લા પંચાયતના હાલના ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેરે વર્ષ 2015 માં ફરજ બજાવી ચૂકેલા, કુલ 4 સરકારી કર્મચારી વિરુદ્ધ ગુનો નોંધાવતાં ખળભળાટ મચી ગયો છે. મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકે રોડની ગુણવત્તા બાબતે બોગસ સર્ટિફિકેટ રજૂ કરી ગુણવત્તા વગરનો રોડ બનાવવાનાં કિસ્સામાં આ કાર્યવાહી સામે આવી છે.

મહેસાણા જીલ્લાના લાંઘણજ એપ્રોચ રોડની કામગીરી સંદર્ભે વર્ષ 2014-15 દરમ્યાન સુવિધાપથ પોગ્રામ હેઠળ તા.22/11/2014 ના રોજ ઓનલાઇન મારફતે ટેન્ડર પ્રક્રિયા થઈ હતી. જેમાં રોડનો અંદાજીત ખર્ચ રૂપિયા 29148687.13 હતી. જેમાં સૌથી ઓછા 28 ટકા નીચા ભાવ વાળા એટલે કે રૂપિયા 20974236 ના આર.સી.પટેલ,ઉંઝા વાળાએ ભાવ ઓફર કર્યા હતા. આથી એન.કોડ ઓનલાઇન મારફતે તા.11/02/2015ના રોજ આર.સી. પટેલ કંપની નાઓના ભાવ સૌથી ઓછા હોઇ આર.સી.સી. રોડ (સુવિધાપથ) બનાવવા મહેસાણા જિલ્લા પંચાયતના કાર્યપાલક ઇજનેરે મંજુરી આપી હતી. જોકે રોડ બન્યાને ચાર મહિના પછી રોડ ખરાબ બની જતાં રજૂઆત થઈ હતી. જેની તપાસ થતાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. રોડની ગુણવત્તા બાબતે મટીરીયલની ખરાઇ કરતું સરકારી સર્ટીફીકેટ કોન્ટ્રાક્ટરે મેળવ્યું નહોતું. આટલું જ નહિ સરકારી સંસ્થા ગેરી માંથી મેળવવાનું થતું સર્ટીફીકેટ બનાવટી રીતે તૈયાર કરી રજૂ કરી રોડ બનાવી દીધો હતો અને તેનું પેમેન્ટ પણ મેળવી લીધું હતું.

સૂત્રોએ જણાવ્યું હતું કે, રજૂઆત બાદ તપાસ રિપોર્ટ આધારે ઉપસચિવ, માર્ગ અને મકાન વિભાગ દ્વારા અધિક્ષક ઇજનેર, પંચાયત માર્ગ અને મકાન વર્તુળ ગાંધીનગરને કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું હતું. જેમાં સદરહું કેસમાં પોલીસ ફરીયાદ નોંધાવવા માટે હોદ્દાની રૂએ મહેસાણા જિલ્લા પંચાયતના કાર્યપાલક ઇજનેરને નિયુક્ત કર્યા હતા. આથી ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર જી.આર ચૌધરીએ મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકે ધોરણસરની ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત તા.૨૨/૧૧/૨૦૧૪ થી તા.૩૧/૧૨/૨૦૧૫ ના સમયગાળા દરમ્યાનમાં (૧) પ્રદિપકુમાર હરિલાલ સંઘવી, કાર્ય પાલક ઇજનેર પંચાયત માર્ગ અને મકાન વિભાગ જીલ્લા પંચાયત મહેસાણા (૨) રમેશકુમાર વિરમદાસ પટેલ નાયબ કાર્યપાલક ઇજનેર પંચાયત માર્ગ અને મકાન વિભાગ જીલ્લા પંચાયત મહેસાણા (૩) વિષ્ણુભાઇ ત્રિભોવનદાસ પ્રજાપતિ નાયબ કાર્યપાલક ઇજનેર તત્કાલિન અધિક મદદનીશ ઇજનેર (૪) લલિતકુમાર હિરાલાલ લેઉઆ વર્ક આસિસ્ટન્ટ (મૈયત) (૫) કોન્ટ્રાક્ટર આર.સી.પટેલ ઉંઝા જી.મહેસાણા વાળાએ ભેગા મળી એકબીજાના મેળાપીપણાથી સદર રોડમાં લાલિયાવાડી કરી હતી. લાંઘણજ એપ્રોચ રોડ જોઇનિંગ ખેરવા નારદીપુર રોડ ના (૧) જોબ નં ૮૭૫ લેખ નં ૪૩૯૧ (૨) જોબ નં ૮૭૫ લેબ નં ૪૩૯૧ (૩) જોબ નં ૧૪૮૧ લેબ નં ૬૪૬૨ (૪) જોબ નં ૧૧૩૧, લેબ નં ૩૮૧૨,૩૮૧૩,૩ ૮૧૪ ના ટેસ્ટીંગ સર્ટીફીકેટ ખોટા બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી સરકારના ધારાધોરણ મુજબ મંજુર થયેલ આર.સી.સી. રોડની ગુણવતા નહી જાળવી સરકાર સાથે વિશ્વાસઘાત કરી ગુનો કર્યો હતો.