રિપોર્ટ: મહેસાણામાંથી 405 બસો PM મોદીના કાર્યક્રમમાં મોકલાઇ, ટ્રીપો રદ થતાં મુસાફરોને મુશ્કેલી

 
GSRTC File Photo

અટલ સમાચાર, ડેસ્ક 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી બે દિવસ ગુજરાત પ્રવાસે છે. તેવામાં હવે મહેસાણા એસટી વિભાગની 760 બસો પૈકી 405 બસો ભાવનગર અને અમદાવાદ ખાતે લોકોને લઇ જવા માટે ફાળવી દેવાઇ છે. જેને લઇ મહેસાણા, પાટણ, ઊંઝા સહિત 12 ડેપોમાં બુધવાર બપોરથી ટ્રીપો રદ થવા લાગતાં મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.  ગુરુવારે 54 ટકા ટ્રીપો રદ રહેશે. જ્યારે શુક્રવારે અમદાવાદ અને અંબાજી પીએમના કાર્યક્રમમાં 380 બસો ફાળવવામાં આવનાર હોઇ શુક્રવારે 45 ટકાથી વધુ ટ્રીપો રદ રહેશે. 

અટલ સમાચાર તમારા મોબાઈલમાં મેળવવા અહી કિલક કરો

મહેસાણા ST ડિવિઝનની 405 બસો PM મોદીના કાર્યક્રમમાં મોકલતાં શનિવાર બપોર પછી એસટીનું સંચાલન રાબેતા મુજબ થઇ શકે છે. એસટી રદ કરાતાં ત્રણ દિવસ મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. નોંધનીય છેકે, વડાપ્રધાનના કાર્યક્રમને લઈ પાલનપુર ડિવિઝનની 190, હિંમતનગરની 230 અને મહેસાણા ડિવિઝનની 230 મળી કુલ 650 બસો અંબાજીમાં ફાળવાઇ છે. જેથી 90 ટકા લોકલ રૂટ બંધ કરાયા છે. એક્સપ્રેસ બસો ચાલુ રહેશે. 

મહેસાણા એસટી વિભાગના મહેસાણા, વિજાપુર, ખેરાલુ, પાટણ, કલોલ, કડી, ચાણસ્મા, હારિજ, બહુચરાજી, ઊંઝા, વિજાપુર અને વડનગર ડેપોથી બુધવારે કુલ 230 બસો ભાવનગરના બરવારા ખાતે ગુરુવારે યોજાનાર પીએમના કાર્યક્રમ માટે રવાના થતાં ખાસ કરીને ગામડાના મુસાફરોને બસ માટે કલાકો સુધી રાહ જોવી પડી હતી. ગુરુવારે મહેસાણા જિલ્લામાંથી 95 અને પાટણ જિલ્લામાંથી 80 બસ મળી વધુ 175 બસ અમદાવાદ કાર્યક્રમમાં જશે.  મહેસાણા ડેપોમાં બુધવારે સાંજે 4 વાગ્યા સુધીમાં ખેરાલુ, છઠિયારડા, રાધનપુર, અંબાજી, પાટણ, પાલનપુર વગેરે રૂટની કેટલીક ટ્રીપો રદ થઇ હતી. 

સૂત્રોએ કહ્યું કે, બુધવારે 97 પૈકી 27 બસ ભાવનગર મોકલાઇ છે. જેથી 25 ટકા ટ્રીપોને અસર થઇ છે. વિદ્યાર્થી રૂટની મોટાભાગની ટ્રીપો રાબેતા મુજબ ચાલુ રાખી હતી, જ્યારે રોડ ટુ રોડ ટ્રીપો રદ થવાથી જે-તે રૂટમાં દર અડધા કલાકે મૂકાતી બસ એક કલાકે મૂકાઇ, દર કલાકે મૂકાતી બસ બે કલાકે મૂકીને એસટી સંચાલન ચલાવ્યું હતું. હજુ ગુરુવારે વધુ 18 બસ અમદાવાદ મોકલાશે, ત્યારે વધુ મુસાફર ટ્રીપ બંધ રહેશે.