ચકચાર@મહેસાણા: મધરાત્રે 50 બાઇકસવારોએ કડીને બાનમાં લીધું, LCB, SOG સહિત 4 પોલીસ સ્ટેશનનો કાફલો તૈનાત

 
Kadi

અટલ સમાચાર, ડેસ્ક

કડીમાં અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તેવી ઘટના સામે આવી છે. ગઈકાલે રાત્રે કડી શહેરમાં રાત્રિનાં સમયે અસામાજિક તત્વો 50થી વધુ બાઇકો લઈને નીકળી પડ્યા હતા. આ સાથે હથિયારો સાથે બેફામ ગાળો બોલી રહે હતા. આ તરફ આ ઇસમોએ પાર્લર અને નાસ્તા સેન્ટર ઉપર તોડફોડ કરી હતી. આ સાથે એક ઈસમને માર મારતા ઇજાગ્રસ્ત યુવકને કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યો હતો. ઘટનાને લઇ કડી પોલીસ સહિતનો કાફલો શહેરમાં ખડકી દેવામાં આવ્યો હતો.

મહેસાણા જિલ્લાનાં કડી શહેરમાં ગુરુવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. અસામાજિક તત્વોને જાણે કાયદાની કઈ પડી જ ના હોય તેમ અને પોલીસનો કંઈ ડર ના હોય તેમ ગુરુવારે રાત્રે ડરનો માહોલ સર્જાયો. પ્રાથમિક વિગતો મુજબ 50થી વધુ બાઈક સવારો હથિયારો સાથે કડીમાં નીકળી પડ્યા હતા. જેને લઈ અસામાજિક તત્વોએ જાણે કડી શહેરને બાનમાં લઈ લીધું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ગુરુવારે રાત્રે એકાએક શહેરમાં 50થી વધુ બાઈક સવારો હાથમાં હથિયારો લઈને નીકળી પડ્યા હતા અને જોર જોરથી બૂમો પાડી રહ્યા હતા. તેમજ ગાળા ગાળી કરી રહ્યા હતા. વિગતો મુજબ બાઈક સવારનું ટોળું હથિયારો સાથે કડીની ભાગ્યોદય હોસ્પિટલ, કરણનગર રોડ, ભીમનાથ રોડ, પાંજરાપોળ જેવા અનેક રસ્તાઓ ઉપર ટોળું બુમાબુમ કરતું ફરી રહ્યું હતું.  

 

આ દરમિયાન આ ટોળું ભાગ્ય હોસ્પિટલ પાસે આવી પહોંચ્યું હતું અને સંજય પાન પાર્લર પાસે ઉભા રહીને આ ઇસમો જોરથી બૂમો પાડી રહ્યા હતા. આ સાથે સંજય પાન પાર્લરમાં તોડફોડ પણ કરી હતી અને ત્યાંથી ટોળું કરણનગર રોડ ઉપર આવેલા સુવર્ણ કોમ્પલેક્ષ ખાતે પહોંચ્યું હતું અને કોમ્પ્લેક્સમાં આવેલ નાસ્તાની દુકાનોમાં તોડફોડ કરી હતી અને પથ્થરમારો કર્યો હતો. આ સાથે નાસ્તાની દુકાન ચલાવતા વેપારીને મારમાર્યો હતો.  

4 પોલીસ સ્ટેશનનો સ્ટાફ કડીમાં ઉતર્યો 

જોકે આ તરફ હવે ઘટનાને લઇ લોકો કડી પોલીસ સ્ટેશન ખાતે દોડી ગયા હતા. જે બાદ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી અને સમગ્ર મહેસાણા જિલ્લાનો કાફલો કડીમાં ખડકી દેવામાં આવ્યો હતો. કોઈ અણબનાવ ન બને તે માટે DySP, LCB, SOG, નંદાસણ, બાવલુ, લાંઘણજ, મહેસાણા હેડક્વાટર સહિતનો પોલીસ કાફલો કડી ખાતે દોડી આવ્યો હતો. જ્યાં પોલીસે અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગ કર્યું હતું અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.