ખળભળાટ@મહેસાણા: વિપુલ ચૌધરીના પરિવાર સામે 750 કરોડના ભ્રષ્ટાચારનો ગુનો દાખલ, ચૂંટણી પૂર્વે એસીબીનો ધડાકો

વિપુલ ચૌધરી, પવન ચૌધરી, ગીતાબેન ચૌધરી સામે ગુનો નોંધાયો 
 
ACB

અટલ સમાચાર, ડેસ્ક 

રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અને મહેસાણાની દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ગાંધીનગર સ્થિત તેમના બંગલેથી ધરપકડ કરવામાં આવી છે. આ તરફ હવે ગુજરાત એસીબીએ આજે બપોરે એક પ્રેસ કોન્ફરન્સ કરી મોટો ઘટસ્ફોટ કર્યો છે. તમને જણાવી દઇએ કે, સહકારી કાયદાની કલમ 86 અંતર્ગત તપાસ ચાલી રહી હતી. ત્યારે બોગસ કંપનીઓ બનાવીને નાણાકીય ગેરરીતિ આચર્યા મામલે પોલીસે વિપુલ ચૌધરીની ધરપકડ કરી છે. વિપુલ ચૌધરી પર 17 બોગસ કંપનીઓ બનાવી રૂ. રૂ.800 કરોડ ટ્રાન્સફર કર્યાનો આરોપ લાગ્યો છે.

ACB ની પ્રેસનોટ માં જણાવ્યા મુજબ વિપુલ ચૌધરી, પવન ચૌધરી, ગીતાબેન ચૌધરી સામે ગુનો નોંધાયો છે. પત્રકાર પરિષદને સંબોધતા દરમ્યાન ACBના ઝોનલ ડાયરેક્ટર મકરંદ ચૌહાણનું સમગ્ર મામલે નિવેદન સામે આવ્યું છે. તપાસ મુજબ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. જેમાં પોલીસ જણાવ્યા અનુસાર 800 કરોડ રૂપિયાનું કૌભાંડ છે. વિપુલ ચૌધરી, પવન ચૌધરી, ગીતાબેન ચૌધરી સામે ગુનો નોંધાયો છે. CA શૈલેષ પરીખ સામે પણ ફરિયાદ દાખલ થઈ છે. 
 

સૂત્રોએ જણાવ્યું હતું કે, વિપુલ ચૌધરીના પત્ની અને પુત્ર પણ ડમી કંપનીના ડાયરેકટર હતા. જે બાદમાં સ્પેશિયલ ઓડિટ દરમિયાન હિસાબ આપી શક્યા ન હતા. જે બાદ વિપુલ ચૌધરીએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. તે બાદ ઓડિટ A અને B ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમ છતાં પણ બંને ટીમની તપાસમાં આર્થિક ગેરરીતિ સામે આવી હતી. એપ્રિલ 2022માં હોમ ડિપાર્ટમેન્ટમાં રિપોર્ટ સબમિટ થયો હતો. જે બાદ કાર્યવાહીના ભાગ રૂપે મની લોન્ડરિંગ કેસમાં વિપુલ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ પોલીસે એ પણ કહ્યું છે કે મામલામાં બોર્ડ ઓફ ડિરેક્ટરની સંડોવણી હશે તો તેમની પણ ધરપકડ કરાશે.
ACB
કેવી રીતે આચર્યું કૌભાંડ?
વિપુલ ચૌધરી 2005માં દૂધસાગર ડેરીમાં ચેરમેન હતા ત્યારે 2005 થી 2016 સુધીના સમયગાળા દરમ્યાન આર્થિક ગેરરીતિ આચરી હતી, મહેસાણા ACB દ્વારા અલગ-અલગ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યા છે. સરકારના નિયમનું ઉલ્લંઘન કરી વિપુલ ચૌધરીએ મિલ્ક કુલરની ખરીદી કરી હતી. ટેન્ડર પ્રક્રિયા વગર 485 કરોડનું બાંધકામ કરાવ્યું હતું. દૂધસાગર ડેરીના ચેરમેન પદેથી હટાવાયા હતા પણ કાનૂની લડાઈ લડવા તે દૂધ સાગર ડેરીના ચોપડે ખર્ચ કર્યો હતો. તેમજ બારદાનની ખરીદી કરી રૂ.13 લાખની ગેરરીતિ આચરી હતી. દૂધસાગર ડેરીના પ્રચાર માટે પણ કૌભાંડ કરી નાખ્યું હતું. અલગ અલગ 31 કંપનીઓનું રજિસ્ટ્રેશન કર્યું હતું અને ખોટી કંપનીઓ બનાવીને કરોડોનું ટ્રાન્જેક્શન કર્યું હતું.
મહેસાણા ACB પોલીસ મથકે ફરિયાદ બાદ વિપુલ ચૌધરી સાથે CAની કરી છે ધરપકડ
આ મામલે મહેસાણા ACB પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ત્યારે આ ફરિયાદ બાદ વિપુલ ચૌધરી અને તેમના CAની ધરપકડ કરાઈ છે. જોકે વિપુલ ચૌધરીના પુત્રની પણ આ મામલે સંડોવણી ખુલી શકે તેવી શક્યતા છે.