સ્પેશિયલ@રિપોર્ટ: ઉત્તર ગુજરાતની એવી બેઠક જ્યાં ભાજપ-કોંગ્રેસને હંફાવી રહ્યા અપક્ષ, ભારેચિંતા બની

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
ઉત્તર ગુજરાતમાં ચુંટણી પ્રચાર અત્યારે તેની ચરમસીમાએ પહોંચી ગયો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો શહેર કરતાં ગામડાં વધારે ખૂંદી રહ્યા છે. મોટાભાગની વિધાનસભા બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસ તો વળી અનેક બેઠકો ઉપર આમ આદમી પાર્ટીના દિગ્ગજ ઉમેદવારોને કારણે ત્રિપાંખિયો જંગ છે. જોકે એક એવી બેઠક પણ છે કે જ્યાં અપક્ષના ઉમેદવાર મેદાનમાં ઊતર્યા હોઈ તમામ મુખ્ય ઉમેદવારોને દોડતાં કરી દીધા છે. આ અપક્ષ ઉમેદવારનો પરિવાર વર્ષોથી રાજકારણ સાથે હોવાથી અને સામાજીક દબદબો ધરાવતો હોવાથી મુખ્ય પાર્ટીના ઉમેદવારોને જીત મેળવવા મોટી ચિંતા પેઠી છે. સામાજીક સમીકરણો એટલા હદે મજબૂત છે કે, અપક્ષ ઉમેદવાર બાજી તો નહિ મારી જાય ને ? એવા સવાલો, ચર્ચાઓ અને મંથનો પણ ચૂંટણી સાથે ચરમસીમાએ પહોંચ્યાં છે. આવો જાણીએ અપક્ષ ઉમેદવારે કેમ વધારી ભાજપ અને કોંગ્રેસની ચિંતા?
મહેસાણા જિલ્લાની ખેરાલુ વિધાનસભા બેઠકની ચૂંટણી ખૂબ રોચક અને રોમાંચક બનવાની છે. ઉત્તર ગુજરાતમાં કોણ જીતશે અને કોણ હારશે કહેવું ખૂબ મુશ્કેલ હોય તો ખેરાલુ વિધાનસભા બેઠક કહી શકાય. અહિં અનેક ઉમેદવારો મેદાનમાં છે પરંતુ ચર્ચા ભાજપ અને કોંગ્રેસ કરતાં અપક્ષવાળાની વધુ છે.

ખેરાલુ વિધાનસભા બેઠક ઉપર સૌથી વધુ મતદારો ઠાકોર- ક્ષત્રિય સમાજના છે. ભાજપના ઉમેદવાર છે સરદારભાઇ ચૌધરી અને કોંગ્રેસના ઉમેદવાર છે મુકેશભાઇ દેસાઇ જ્યારે આમ આદમી પાર્ટીના ઠાકોર દિનેશજી હજુરજી પણ મેદાનમાં છે.
હવે આ સિવાય અપક્ષના ઉમેદવાર જોઈએ તો પાટણના સાંસદ ભરતસિંહ ડાભીના ભાઇ છે. ખેરાલુ વિધાનસભાના ધારાસભ્ય રહી ચૂકેલા ભાજપના નેતા ભરતસિંહ ડાભીના ભાઇ રામસિંહ અપક્ષ ઉમેદવારી કરી છે. આ રામસિંહજીનો પરિવાર વર્ષોથી રાજકારણ સાથે જોડાયેલો છે એટલે ઉમેદવારી કરવા તલપાપડ હતા. ભાજપે સરદારભાઇ ચૌધરીને ટિકીટ આપતાં રામસિંહે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી જંગમાં ઝંપલાવી અનેકને ચોંકાવી દીધા છે. સૌથી વધુ મતદારો ઠાકોર-ક્ષત્રિય સમાજના હોવાથી હારજીતમા જ્ઞાતિ સમીકરણો પણ અસરકારક છે.
અપક્ષની ઉમેદવારીને પગલે ખેરાલુ વિધાનસભા માટે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારે બરોબરનું જોર લગાવી દીધું છે. રામસિંહની અપક્ષ ઉમેદવારીને પગલે બંને પક્ષોએ ઠાકોર મતો અંકે કરવા શરૂ કરેલી મહેનતથી દોડધામ સર્જાઇ ગઇ છે. કેટલાક લોકો ભાજપ તો કેટલાક કોંગ્રેસની વાતો કરે છે પરંતુ ભરતસિંહ ડાભીના ભાઇ રામસિંહની ચર્ચા પણ કંઈ ઓછી નથી. સૂત્રોએ જણાવ્યું હતું કે, ભાજપ અને કોંગ્રેસને ખેરાલુ બેઠક જીતવી સરળ નથી.

આ વખતે કોઈપણ ઉમેદવારને જીત મેળવવી ખૂબ મુશ્કેલ અને મહા મહેનતે પણ જીતની ગેરંટી મળે તેમ નથી. બીજી તરફ એવી પણ ચર્ચા છે કે, આ અપક્ષ ઉમેદવાર ગમે તે પાર્ટીના મતદારો જો મોટી સંખ્યામાં કાપી જશે તો કોઈ બે ઉમેદવારો વચ્ચે હારજીતનુ અંતર ખૂબ મોટું સામે આવી શકે છે. ભાજપને પરંપરાગત મતદારોના જોરે જીત મેળવાની આશા છે તો સામે કોંગ્રેસના મુકેશ દેસાઇને ગત ચૂંટણીમાં ખૂબ મતો મળ્યા હોઈ પરિવર્તનની આશા છે તો અપક્ષ ઉમેદવારને સામાજીક સમીકરણો જીતની લોટરી અપાવી દે તેવી ગણતરી હોઈ શકે છે.