બેઠક@મહેસાણા: ભરતસિંહ સોલંકીએ કહ્યું, જનતાના આશીર્વાદથી 2022માં કોંગ્રેસની સરકાર બનશે

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા
આજે મહેસાણા ખાતે કોંગ્રેસના અગ્રણી ભરતસિંહ સોલંકી અને સીજે ચાવડાએ બેઠક બોલાવી હતી. જિલ્લા કોંગ્રેસ મોવડી મંડળ સહિતનાએ ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું હતું. આ દરમ્યાન પત્રકાર પરિષદમાં ભરતસિંહ સોલંકીએ સૌથી મોટા 2 મુદ્દા કહ્યા હતા. જેમાં જનતાના આશીર્વાદથી 2022માં કોંગ્રેસની સરકાર બનશે અને નોન ગુજરાતી બધો વહીવટ સંભાળતા હોવાનો દાવો કરી ગુજરાતી પ્રેમનો મુદ્દો રજૂ કર્યો હતો. આ સાથે કોંગ્રેસની સરકાર આવશે ત્યારે હોસ્પિટલમાં સારવાર માટે જનતા દવાખાના શરૂ કરવાની વાત પણ કરી હતી.
ઉત્તર ગુજરાતના રાજકારણમાં કેન્દ્ર બિંદુ કહી શકાય તેવા મહેસાણામાં આજે કોંગ્રેસની બેઠક મળી હતી. પ્રદેશ કોંગ્રેસના અગ્રણી ભરતસિંહ સોલંકી અને સીજે ચાવડા આવ્યા હોઇ મહેસાણા જિલ્લા કોંગ્રેસ દ્વારા તડામાર તૈયારીઓ કરી મોટી સંખ્યામાં કાર્યકરો સાથે ઉપસ્થિત રહ્યા હતા. બંને અગ્રણીઓએ જિલ્લા કોંગ્રેસના આગેવાનોને આગામી વિધાનસભાની ચૂંટણીને લઈ જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા. આ સાથે પત્રકાર પરિષદ સંબોધતા ભરતસિંહ સોલંકીએ વિધાનસભા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ થવાની વાતનો છેદ ઉડાવ્યો હતો. આપ પાર્ટીને આડેહાથ લેતા કહ્યું હતું કે, પંજાબમાં સરકાર આવતાંની સાથે ગાંધીજીના ફોટા દૂર કર્યા હોવાનો દાવો કર્યો છે.
આ સાથે ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં જનતાના આશીર્વાદથી કોંગ્રેસની સરકાર બનશે તેવી વાત રજૂ કરી હતી. જેમાં ખાસ કરીને હાલની ગુજરાત સરકારના ભાજપી આગેવાનો મામલે ચોંકાવનારો કટાક્ષ પણ કર્યો હતો. એક નોન ગુજરાતી સરકારને ચલાવી રહ્યા છે એમ કહી ગુજરાતી પ્રેમનો મુદ્દો ઉછાળ્યો હતો.આ પ્રસંગે મહેસાણા જિલ્લા કોંગ્રેસના રણજીતસિંહ ઠાકોર, જયદીપસિંહ ડાભી, બેચરાજી ધારાસભ્ય અને મેઘા પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.