બનાવ@મહેસાણાઃ રાત્રે ખેતરમાં સુઈ રહેલા દંપતી પર જીવલેણ હુમલો, મહિલાના દાગીના લૂંટી ઇસમો ફરાર
લૂટ

અટલ સમાચાર, ડોટ કોમ

મહેસાણાના ગોઝારીયામાં ગઇકાલે બંધ મકાનમાં તસ્કરો પ્રવેશ કરી રૂપિયા 8.50 લાખના દાગીના ચોરી રફુચક્કર થઈ ગયા હતા અને ત્યારબાદ વધુ એક લૂંટની ઘટના સામે આવી છે. જ્યાં ખેતરમાં રાત્રી દરમિયાન સુઈ રહેલા દંપતી પર જીવલેણ હુમલો કરી મહિલાના દાગીના લૂંટી 8 લૂંટારું રફુચક્કર થઈ જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.મહેસાણા તાલુકામાં આવેલા ગોઝારીયાની પાંચવટી ચોકડી પાસે આવેલા ખેતરમાં ગત રાત્રી દરમિયાન વૃદ્ધ દંપતી પોતાના ખેતરમાં સુઈ રહ્યા હતા. ત્યારે રાત્રે 01:50 વાગ્યાની આસપાસના સમયગાળા દરમિયાન આઠ જેટલા લૂંટારુંએ ખેતરમાં પ્રવેશ કર્યો હતો. જ્યાં ખેડૂતના ઘરમાં ઘુસી આઠ તસ્કરોએ ઘરમાં પડેલા ડબ્બામાંથી રોકડા 20 હજાર ચોર્યા હતા.

સમગ્ર ઘટનામાં મહિલા દાગીના લૂંટ્યા બાદ અવાજ થતાં બાજુમાં સુઈ રહેલા ઝાલા બળવતસિંહ ઉઠી જતાં ચાર લૂંટારુઓએ એમને પકડી શરીરે ધોકા અને હાથે છરી મારી લોહીલુહાણ કરી ઇજા કરી હતી. તેમજ તેમની પાસે રહેલા 25 હજાર રૂપિયા અને એક મોબાઈલ લૂંટી ફરાર થયા હતા.  લૂંટારુઓ ઘરમાં ચોરી કરી રહ્યા હતા એ દરમિયાન અવાજ આવતાં બહાર સુઈ રહેલા વૃદ્ધ કમુબેન ઉઠી જતાં લૂંટારુઓએ તેમનું મોં દબાવી તેમણે પહેરેલી સોનાની બુટ્ટી, સોનાની વાળીઓ, ચાંદીનું કડલું ચાર જેટલા તસ્કરોએ ખેંચતાં તેમને કાને અને શરીરના અન્ય ભાગોમાં ઇજાઓ થઈ હતી

લૂંટારુઓએ વૃદ્ધ દંપતીને માર મારી લુંટ કર્યા બાદ ભાગવાની કોશિશ કરતાં ઇજા પામેલા કમુબેને બાજુના ઘરમાં સુઈ રહેલા પોતાના દીકરા વિપુલ ઝાલાને ઉઠાડ્યા હતા. તેઓ લૂંટારુઓનો પકડવા ગયા એ દરમિયાન તેમના હાથમાં પથ્થરો અને ધોકા હતા. તેમજ તેમણે પોતાના મોઢા બાંધેલા હતા. પુત્ર લૂંટારુઓને પકડવા જતાં તેઓ અંધારાનો લાભ લઇ ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલે લાંઘણજ પોલીસને જાણ કરાતાં પોલીસ કર્મી પણ ગણતરીની મિનિટોમાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ આદરી હતી. આ મામલે હાલમાં આઠ જેટલા લૂંટારુઓ સામે પોલીસે કુલ 65 હજાર 500ના મુદ્દામાલની લુંટ અંગે ફરિયાદ દાખલ કરાવી હતી.