મહેસાણા-શામળાજીઃ નેશનલ હાઇવે બનાવવા સરકારની મંજૂરી, ચૂંટણીનો બહિષ્કાર કરવાની ગામ લોકોએ ચીમકી ઊચ્ચારી
ખેડૂતો

અટલ સમાચાર, ડેસ્ક

 સાબરકાંઠા જિલ્લો  ખેતી સાથે સંકડાયેલો છે, જેમાં સ્થાનિકો મુખ્યત્વે ખેતી અને પશુપાલન આધારિત જીવન નિર્વાહ કરે છે. છેલ્લા બે ત્રણ વર્ષથી કુદરતનો કહેર અને ઓછો વરસાદથી પરેશાન છે. હવે પરિસ્થિતિ એવી થઈ છે કે ખેડૂતો માટે ખેતર જ નહીં રહે! કારણ કે મહેસાણા-શામળાજી નેશનલ હાઇવે બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ હાઈવે વાયા ઇડર   થઈને પસાર થાય છે. ઇડર તાલુકાના ૧૦થી વધુ ગામડાઓમાંથી હાઇવે પસાર થઈ રહ્યો છે.

હાઇવે બનવાની જાહેરાત સાથે જ ખેડૂતોની ખેતર સંપાદિત થઈ રહી છે. એક અંદાજ પ્રમાણે 10 ગામોના 320 કરતા પણ વધુ ખેડૂત ખાતેદારોની જમીન હાઇવે માટે સંપાદિત થઈ રહી છે, જે પૈકીના 15 કરતા વધુ ખેડૂતોની તો તમામ જમીન રોડમાં સંપાદિત થઈ રહી છે. અનેક ખેતરો કપાઈ રહ્યા છે, કેટલાક ખેડૂતોના તબેલા તો કોઈના કૂવા પણ સંપાદનમાં જઈ રહ્યા છે. આ વાતને લઈને ખેડૂતોમાં ખૂબ રોષ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત આગામી સમયે જિલ્લા કલેકટરને રજુઆત કરવામાં આવશે અને ત્યારબાદ પણ સુખદ અંત નહીં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ખેડૂતોએ ઉચ્ચારી છે. બીજી તરફ વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ગામ લોકોએ ચીમકી ઊચ્ચારી છે.


હાઈવેની મંજૂરી મળી છે ત્યારથી ખેડૂતોએ વિરોધ શરૂ કર્યો છે, આ મામલે આવેદન આપી રજુઆતો પણ કરી છે. ગુરુવારે ઇડર તાલુકાના મણીઓર, સદાતપુરા, સાપાવાડા, લાલોડા, સવગઢ, છાવણ, બુઢિયા, વાસડોલ, બડોલીના ખેતર માલિકો એકઠા થયા હતા સાથે બેઠક યોજી હતી. જેમાં આગામી સમયમાં પોતાની જમીન બચાવવા માટેની રણનીતિ નક્કી કરવામાં આવી હતી. એક તરફ ઇડર શહેરના બાયપાસની માંગ વર્ષોથ ઉઠી રહી છે, જે પૂર્ણ કરવામાં આવતી નથી અને સામા પક્ષે નવા હાઇવેની જરૂરિયાત ન હોવા છતાં બનાવવામાં આવી રહ્યો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. આ ખેતર માલિકો અલગ અલગ ગામડાઓમાં બેઠકો કરી રહ્યા છે. સ્થાનિક ધારાસભ્ય અને સાંસદ સભ્યને મળીને પણ રજુઆત કરવામાં આવી રહી છે.