બ્રેકિંગ@મહેસાણા: ભ્રષ્ટાચારના કેસમાં જેલમાં બંધ વિપુલ ચૌધરીની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી

 
High Court

અટલ સમાચાર, ડેસ્ક 

ગુજરાત હાઇકોર્ટે વિપુલ ચૌધરીની નિયમિત જામીન અરજીને ફગાવી દીધી છે. હાઇકોર્ટે અવલોકન કર્યુ કે આ ગંભીર ગુનો છે.  વિપુલ ચૌધરીના CA શૈલેષ પરીખના ગઇકાલે જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી ભ્રષ્ટાચારના કેસમાં કસ્ટડીમાં છે. વિપુલ ચૌધરીએ ગુજરાત હાઇકોર્ટમાં નિયમિત જામીન અરજી કરી હતી જે હાઇકોર્ટે ફગાવી દીધી છે. 

વિપુલ ચૌધરીએ હાઇકોર્ટમાં રાજકીય કિન્નાખોરીમાં પોતાની ઉપર કેસ થયો હોવાની રજૂઆત કરી હતી. વિપુલ ચૌધરીએ વિધાનસભા ચૂંટણી આવી રહી છે ત્યારે રાજકીય દબાણમાં કેસ કરાયો હોવાની ફરિયાદ કરી હતી. વર્ષ 2015માં ચેરમેન પદેથી મુક્ત થયા બાદ સાત વર્ષના વિલંબ બાદ કરાયેલી ફરિયાદ તથ્ય વિહોણી હોવાની પણ રજૂઆત કરવામાં આવી હતી.

જોકે રાજ્ય સરકાર તરફથી આ અરજીનો વિરોધ કરવામાં આવ્યો હતો અને એન્ટીકરપ્શન બ્યુરોને મળેલા પ્રાથમિક પુરાવાઓ અંગે કોર્ટને જાણકારી આપવામાં આવી હતી. 300 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યુ હોવાના આરોપ સાથે ACBએ વિપુલ ચૌધરી પર કેસ કર્યો હતો.