મહેસાણાઃ આમ આદમી પાર્ટીની રેલીમાં અજાણ્યા ઇસમે તિરંગાનું અપમાન કર્યું, અંતે પોલીસ ફરિયાદ નોંધાઈ
મહેસાણા,,

અટલ સમાચાર, ડેસ્ક


મહેસાણા શહેરમાં ગઈકાલે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સિવિલથી તોરણવાડી માતા ચોક સુધી રોડ શો યોજી તિરંગા યાત્રા નીકાળી હતી. આ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જોકે, કોઈ અજાણ્યા ઇસમે તિરંગા યાત્રા પહેલા જ પોતાના પગ નીચે રાષ્ટ્રી ધ્વજને મૂકી અપમાનીત કરતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

મહેસાણા શહેરમાં ગઈકાલે અરવિંદ કેજરીવાલનો રોડ શો યોજાયો હતો. રોડ શોમાં ભાગ લેવા આવતા કાર્યકરોને આમ આદમી પાર્ટીના ઝંડા તેમજ પરિવર્તન યાત્રા રેલીના અનુસંધાન તિરંગાનું વિતરણ જૂના બસ સ્ટોપના ગેટ નં-1 પાસે કરવામાં આવી રહ્યું હતું.

આ દરમિયાન રાષ્ટ્ર ધ્વજના વિતરણ દરમિયાન કોઈ અજાણ્યો ઈસમ તિરંગાને પગ નીચે મુકી અપમાન કરી રહ્યો હતો. જે વીડિઓ સોશિયલ મીડિયામાં વાઇરલ થતા સમગ્ર મામલો સામે આવતા મહેસાણા એ ડીવીઝન પોલીસ મથકના પી.આઈ બી.એમ.પટેલે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ભારતીય ધ્વજધારા 2002 અન્વયે રાષ્ટ્રીય સન્માન પરત્વે આપમાનનો કાયદો 1971ની કલમ 2 મુજબ ફરિયાદ નોંધાવી હતી.