મહેસાણાઃ સરકારી અનાજનું બારોબારીયું કરવા જતાં ઇસમ ₹2.56 લાખના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપ્યો

અટલ સમાચાર, ડેસ્ક
મહેસાણા તાલુકાના વીરતા સહિત આસપાસના પાંચ ગામોની સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનોનું સંચાલન કરતો વ્યક્તિ જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળના જથ્થાનો બારોબારીયું કરવા જતાં જ પોલીસના હાથે ઝડપાયો હતો. મહેસાણા તાલુકાના વીરતા ઉપરાંત પાંચોટ, સઠીયારડા, અલોડા અને હરદેસણ મળી સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનોનું સંચાલન લાંબા સમયથી કરે છે. આ સંચાલક જરૂરિયાત મંદોને મળવા પાત્ર રાહત દરની તુવેરદાળના જથ્થાનું બારોબારીયું કરી રહ્યો હોવાની બાતમી મહેસાણા તાલુકા પોલીસને મળી હતી. જેથી બાતમીના આધારે મહેસાણા તાલુકા પોલીસે પાંચોટ રોડ પર સંચાલકના મકાન આગળથી શંકાસ્પદ ગાડી ઝડપી પાડી હતી.
સુત્રોએ જણાવ્યુ હતુ કે, કાર્યવાહી દરમિયાન ઇકો ગાડીમાંથી તુવેરદાળના પાંચ કટા મળી આવ્યાં હતા. તેમજ તુવેર દાળનો સરકારી અનાજનો જથ્થો શંકાસ્પદ હાલતમાં મળી આવતા પોલીસે સંચાલકને વધુ કાર્યવાહી અર્થે પોલીસ મથકે લઈ આવી હતી. આ મામલે ગ્રામ્ય વિસ્તારના મામલતદારને જાણ કરતા તેઓ રાત્રે પોલીસ મથક દોડી આવ્યાં હતા. મામલતદાર એ જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળનો તુવેર દાળ તેમજ ગાડી મળી કુલ 2.56 લાખનો જથ્થો સીઝ કરી સરકારી ગોડાઉન મેનેજરને સુપ્રત કર્યો હતો.