મહેસાણાઃ જૂની અદાવતમાં ભર બપોરે ઇસમોએ છરી વડે યુવક પર હુમલો કર્યો, સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો
Crime (1)

અટલ સમાચાર, ડેસ્ક 

મહેસાણા શહેરમાં આવેલા ધોબીઘાટ વિસ્તારમાં જૂની અદાવતમાં ભર બપોરે છરી વડે એક યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. જેથી યુવકને ઈજા પહોંચી છે. આ ઘટનાને પગલે આસપાસના લોકોએ યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. તેમજ હાલમાં પોલીસે બે સામે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.
 
મહેસાણા શહેરમાં ધોબીઘાટ વિસ્તારમાં આવેલા છાપરામાં રહેતો 20 વર્ષીય રામદેવ અમરતભાઈ ભાટ ગઈકાલે બપોરે જમ્યા બાદ પોતાના મિત્ર સાથે ઘર નજીક રોડ પર ઉભો હતો. એ દરમિયાન યુવકના મહોલ્લામાં રહેતો વિજય ઉર્ફ સંજય ચાવડા અને દિપક વાઘરી નામના ઇસમો યુવક પાસે આવી કહેવા લાગેલ કે " તું કેમ મારી સામે જુવે છે" એમ કહી યુવકને ગાળાગાળી કરી હતી. બાદમાં બને વચ્ચે તકરાર થતા દિપક નામના ઇસમે યુવકને માર માર્યો હતો.

 અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો
સુત્રોએ જણાવ્યું હતુ કે, વિસ્તારમાં આવેલા છાપરા વિસ્તારમાં યુવકને માર માર્યા બાદ આરોપી દિપકે ફરિયાદી યુવકને પકડી રાખ્યો હતો અને અન્ય એક આરોપી વિજય ઉર્ફ સંજય પોતાની પાસે રહેલી છરીથી યુવકના કમરમાં ત્રણ ઘા મારી લોહીલુહાણ કરી દીધો હતો. આ ઘટનાની જાણ આસપાસના લોકોને થતા ઘાયલ યુવકને બાઈક પર બેસાડી મહેસાણા સિવિલમાં સારવાર માટે મોકલી આપ્યો હતો. ત્યારે હુમલો કરનાર આરોપીઓ ત્યાંથી ભાગી ગયા હતા. યુવકે મહેસાણા એ ડીવીઝન પોલીસ મથકમાં આરોપી વિજય ઉર્ફ સંજય ચાવડા,અને દિપક વાઘરી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.