ખળભળાટ@મહેસાણા: સેટિંગ્સથી IELTS પરિક્ષા પાસ કરી અમેરિકા પહોંચ્યાં 4 યુવકો, અંગ્રેજી નહિ આવડતાં ભાંડો ફૂટ્યો, કૌભાંડમાં 44 આરોપી ખુલ્યાં
પૂર્વ આયોજિત ષડયંત્ર રચી પરિક્ષા ખંડમાંથી પ્રશ્નપત્ર અને ઉત્તરવહી બહાર લાવતાં હતા અને કેનેડા જવા જરૂરી બેન્ડ લાવી આપતાં હતા
Sep 5, 2022, 13:04 IST

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
મહેસાણા જિલ્લામાંથી અમેરિકા અને કેનેડા જવા યુવકો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. આવા એડીચોટીના જોરમાં કાયદેસર કે ગેરકાયદેસરનું ભાન રાખ્યાં વિના સેટિંગ્સથી અમેરિકા પહોંચવા દોડધામ મચી છે. ગેરકાયદેસર રીતે IELTS પરિક્ષા પાસ કરી 4 યુવકો પ્રથમ કેનેડા ગયા અને ત્યાંથી અમેરિકા જવા વચ્ચે નદી આવતાં બોટમાં સવાર થયા હતા. જોકે બોટ ડૂબી જવાની સંભાવના વચ્ચે અમેરિકન પોલીસે તાત્કાલિક અસરથી રેસ્ક્યુ કરી ચારેય યુવકોની જાન બચાવી હતી. જોકે જીવ બચાવી લીધા બાદ અમેરિકન પોલીસે ચારેય યુવકોને કોર્ટમાં રજૂ કરતાં મોટો ભાંડો ફૂટી ગયો હતો.

અંગ્રેજી માટેની આઇઈએલટીએસ પરિક્ષામાં શ્રેષ્ઠ રેન્ક મેળવી અમેરિકા ગયેલા યુવકોને અંગ્રેજી બોલવામાં ફાંફાં પડ્યા હતા. આથી અમેરિકન કોર્ટે તપાસ કરતાં મામલો ભારત અને છેક મહેસાણા સુધી પહોંચ્યો હતો. મહેસાણા એસઓજી પોલીસે તપાસ કરતાં ચારેય યુવકોએ સેટિંગ્સથી ગેરકાનૂની રીતે અંગ્રેજીની પરિક્ષા પાસ કરી હોવાનું જાણવા મળ્યું હતું. આટલું જ નહિ કૌભાંડથી IELTS પરિક્ષા પાસ કરાવવાનું આખું ષડયંત્ર બહાર આવતાં ખળભળાટ મચી ગયો છે. મહેસાણા પોલીસે સમગ્ર રેકેટનો પર્દાફાશ કરી એકસાથે 44 આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.

મહેસાણા જિલ્લાના અલગ અલગ તાલુકાના 4 યુવકો ગત એપ્રિલ દરમ્યાન સ્ટુડન્ટ વિઝા મેળવી કેનેડા ગયા હતા. એજન્ટ મારફતે કેનેડાની કોલેજમાં પ્રવેશ મેળવી પૂર્વ તૈયારી કરી થોડા જ સમયમાં અમેરિકા જવા નિકળ્યા હતા. હવે કેનેડા અને અમેરિકાની બોર્ડર વચ્ચે વહેતી સેન્ટ રેઝીસ નદી પાર કરવા જતાં જોખમ ઉભું થયું હતું. નદીમાં બોટ ડૂબી જાય તેવી શક્યતા જણાતાં અમેરિકન રેસ્ક્યુ ટીમે બચાવી લીધા હતા. આ પછી ચારેય યુવકોને અમેરિકનાની ન્યૂયોર્ક કોર્ટમાં રજૂ કરતાં અંગ્રેજી ભાષામાં જવાબ આપવામાં નિષ્ફળ ગયા હતા. અંગ્રેજી ભાષામાં પાસ છતાં અંગ્રેજી બોલતાં નહિ આવડતાં અમેરિકન કોર્ટે તપાસનો હુકમ કર્યો હતો. જેને પગલે ભારતમાં આ વિદ્યાર્થીઓએ જ્યાં આઇઈએલટીએસ પરિક્ષા આપી હતી તે ગુજરાતના નવસારી જિલ્લામાં તપાસ શરૂ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ મહેસાણા જિલ્લાના હોઇ ઈમેલ મારફતે મળેલ વિગત આધારે મહેસાણા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.

ઊંડાણપૂર્વકની તપાસને અંતે મળી આવ્યું કે, ગાંધીનગરના સરગાસણનો અમિત સુરેન્દ્રભાઇ માનસિંગભાઇ ચૌધરી નામનો ઈસમ ગેરકાયદેસર આઇઈએલટીએસ પરિક્ષા પાસ કરાવી કેનેડા જવા જરૂરી બેન્ડ લાવી આપતો હતો. પૂર્વ આયોજિત ષડયંત્રના ભાગરૂપે નવસારી જિલ્લાના હાઇવે રોડ પરની હોટેલમાં આઇઈએલટીએસની પરિક્ષા દરમ્યાન પ્રશ્નપત્ર અને ઉત્તરવહી પરિક્ષા ખંડમાંથી બહાર લાવી ખાનગી રૂમમાં પરિક્ષા આપી/અપાવડાવી હતી. પોલીસની તપાસમાં સામે આવ્યું કે, પરિક્ષાનુ સંચાલન કરતી આઇડીપી કંપનીના કર્મચારીઓ પણ સામેલ હતા.

મહેસાણા એસઓજી પોલીસના પીઆઇ બી.એચ રાઠોડે સમગ્ર કૌભાંડના કુલ 44 આરોપીઓ વિરુદ્ધ નામજોગ ગુનો દાખલ કર્યો છે. જેમાં ગેરકાયદેસર રીતે પરિક્ષા આપનાર વિદ્યાર્થીઓ, પરિક્ષામાં સેટિંગ્સ કરી કર્મચારીઓ, એજન્ટો અને ષડયંત્ર સંબંધિત ઈસમો વિરૂદ્ધ મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકે સાચી રીતે આઇઈએલટીએસ પરિક્ષા આપનાર વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરી ગુનાહિત વિશ્વાસઘાત અને છેતરપિંડી લગતની ફરિયાદ નોંધાવી છે. જેમાં પોલીસે આઇપીસી 406,420,465,468,471 અને 120બી મુજબ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

શું કહ્યું પીઆઇ રાઠોડે ?
આ બાબતે મહેસાણા એસઓજી પોલીસના પીઆઇ રાઠોડે જણાવ્યું હતું કે, કુલ આરોપીઓમાં સરેરાશ 14થી 15 વિદ્યાર્થીઓ છે. હાલ ટીમો બનાવી આરોપીઓની અટકાયત માટેની કાર્યવાહી છે ત્યારે મૂળ 4 વિદ્યાર્થીઓ અમેરિકા છે. આથી ત્યાંની કોર્ટ મુજબ તેમની સામે કાર્યવાહી ત્યાં થશે. આ સાથે પરિક્ષા લેનાર કંપનીના સીઈઓ પણ ફરિયાદમાં આરોપી હોઈ સંબંધિત ઓથોરીટીને જાણ કરી દેવામાં આવી છે. અગાઉ આ કંપનીએ લીધેલી પરિક્ષામાં શંકાસ્પદ બાબતે હાલ કોઈ તપાસ નથી પરંતુ આ ષડયંત્રની ફરિયાદ બાબતે વધુ આરોપીઓ સામે આવી શકે છે.