મહાબ્રેકિંગ@મહેસાણા: વિપુલ ચૌધરી કેસમાં હવે શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડિયાને કોર્ટમાં હાજર થવા આદેશ

 
Shankar sinh vaghela Arjun modhvadiya file photo

અટલ સમાચાર, ડેસ્ક 

મહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન અને ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની ACBએ ગાંધીનગર સ્થિત તેમના બંગલેથી એક દિવસ અગાઉ ધરપકડ કરી હતી. મહત્વનું છે કે, વિપુલ ચૌધરી પર 17 બોગસ કંપનીઓ બનાવીને રૂ. 800 કરોડ ટ્રાન્સફર કર્યાનો આરોપ લાગ્યો છે. ત્યારે હવે વિપુલ ચૌધરીના દૂધસાગર ડેરીના સાગર દાણ કેસ મામલે શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડીયાને સમન્સ પાઠવવામાં આવ્યું છે.


શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડીયાને 6 ઓક્ટોબરના રોજ મહેસાણા કોર્ટમાં સાક્ષી તરીકે હાજર રહેવા માટે સમન્સ ઇશ્યુ કરવામાં આવ્યા છે. સાક્ષી તરીકે હાજર રાખવા સરકારી વકીલની અરજી કોર્ટે ગ્રાહ્ય રાખી છે. મહત્વનું છે કે, શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડીયાએ વિપુલ ચૌધરીને NDDBના ચેરમેન બનાવવા ભલામણ પત્ર લખ્યા હતા. મહારાષ્ટ્રને સાગર દાણ મોકલાયું એ અરસામાં શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડિયા એમ બંને જણાએ ભલામણ પત્ર લખ્યા હતા. આથી, બંનેને સાક્ષી તરીકે હાજર રાખવા સરકારી વકીલે અરજી કરી હતી. જેને કોર્ટે ગ્રાહ્ય રાખતા 6 ઓક્ટોબરના રોજ બંનેએ હાજર રહેવું પડશે.

નોંધનીય છે કે, વિપુલ ચૌધરી ઉપર NDDBના ચેરમેન બનવા દાણ આપવાનો આરોપ છે. સહકારી કાયદાની કલમ 86 અંતર્ગત તપાસ ચાલી રહી હતી. ત્યારે બોગસ કંપનીઓ બનાવીને નાણાંકીય ગેરરીતિ આચર્યા મામલે પોલીસે વિપુલ ચૌધરીની એક દિવસ અગાઉ ધરપકડ કરી હતી. જ્યાર બાદ ગઇકાલે વિપુલ ચૌધરીને મહેસાણા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. મહેસાણા કોર્ટે વિપુલ ચૌધરીના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જ્યારે પોલીસે 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. આથી તારીખ 23 સપ્ટેમ્બર બપોરના 12 વાગ્યા સુધી વિપુલ ચૌધરી પોલીસ રિમાન્ડમાં રહેશે જે દરમિયાન 800 કરોડના કૌભાંડ અંગે સઘન પૂછપરછ કરાશે.