મહારેલી@મહેસાણા: સંયુક્ત કર્મચારી મોરચાની એકતાના દર્શન, જૂની પેન્શન યોજના સહિતની માંગો પૂર્ણ કરો
શૈક્ષણિક અને મહેસુલ વિભાગ હેઠળના કર્મચારીઓ તેમજ વિવિધ મંડળના અસંખ્ય કર્મચારીઓએ ઉપસ્થિત રહીને મહારેલી સફળ બનાવી
Sep 12, 2022, 08:27 IST

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા
ગુજરાત રાજ્યમાં હાલમાં વિવિધ વિભાગના કર્મચારીઓ પડતર પ્રશ્નોને લઈ લડત આપી રહ્યા છે. આ દરમ્યાન ગત રવિવારે સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા પણ જૂની પેન્શન યોજના સહિતની માંગો સાથે મહારેલી યોજવામાં આવી હતી. પડતર પ્રશ્નો મુદ્દે સરકારી કર્મચારીઓની મહેસાણામાં સવાર - બપોર એમ અલગ અલગ રેલી યોજાતાં શક્તિ પ્રદર્શન જેવો માહોલ જોવા મળ્યો હતો. બંને રેલીમાં સરેરાશ 40 હજારથી વધુ કર્મચારીઓ જોડાયા હોવાની વાત સામે આવતાં એકરીતે કર્મચારીઓની એકતાના પણ દર્શન થયા હતા. વિધાનસભા ચૂંટણી નજીક હોઇ કર્મચારીઓ પણ પડતર પ્રશ્નોને લઈ લડી લેવાના મૂડમાં હોવાનું જાણવા મળ્યું છે.

ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાના ઉત્તર ગુજરાત ઝોન હેઠળના મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાના કર્મચારીઓ મોટી સંખ્યામાં મહેસાણા શહેરમાં ઉમટી પડ્યા હતા. પ્રાથમિક, માધ્યમિક, ઉ.મા. શિક્ષક, આચાર્ય સંઘ સહિતના શૈક્ષણિક વિભાગના અને મહેસુલ વિભાગ હેઠળના અનેક કર્મચારીઓ મહારેલી માટે ઉમટી પડ્યા હતા. મહેસાણાના અરવિંદ બાગ પાસે સવારે 10 વાગે ભેગા મળી જૂની પેન્શન યોજના લાગુ કરવા સહિતની વિવિધ માંગો સાથે વિશાળ રેલી યોજી કલેક્ટર કચેરી નજીક પહોંચ્યા હતા. આ દરમ્યાન પ્રાંત અધિકારીને આવેદનપત્ર સોંપી વર્ષોથી પડતર પ્રશ્નોને હલ કરાવવા સરકારને ધ્યાન દોર્યું હતું.
મહારેલી દરમ્યાન સંયુક્ત કર્મચારી મોરચાના બનાસકાંઠા જિલ્લા પ્રમુખ સંજય દવે અને મહેસાણા જિલ્લા પ્રમુખ રાકેશના મતે, જૂની પેન્શન યોજના માટે વર્ષોથી મહેનત કરી રહ્યા છીએ. અગાઉ સરકારે સંયુક્ત કર્મચારી મોરચાને ચર્ચા માટે બોલાવ્યા હતા. પણ અપેક્ષા મુજબની જાહેરાત નહિ કરતાં આજે 4 જિલ્લાની મહારેલી યોજી છે. સરકાર જૂની પેન્શન યોજના લાગુ નહીં કરે તો જલદ આંદોલન કરવાની પણ તૈયારી હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે ગુજરાતમાં 77 કરતાં વધુ કર્મચારી મંડળો સમર્થન આપતાં હોવાનો દાવો છે. કર્મચારીઓમાં રોષ છે કે, માંગણીઓ નહિ સંતોષાય તો માસ સીએલ, પેનડાઉન, અચોક્કસ મુદ્દતની હડતાળ સુધીના કાર્યક્રમો અપાશે.
આ મહારેલીમાં રાષ્ટ્રીય સંયુક્ત મોરચાના નેજા હેઠળ ઉત્તર સંભાગના કન્વીનર ભૂરાજી રાઠોડ, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રાંતના મહામંત્રી મિતેષભાઇ ભટ્ટનું માર્ગદર્શન રહ્યું હતું. રાષ્ટ્રીય સંયુક્ત મોરચા મહેસાણા જિલ્લાના આગેવાનોના મતે, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અને ભારતીય મજદૂર સંઘ સહિત 39 મંડળો સમર્થનમાં જોડાયેલા છે. સરકાર જૂની પેન્શન યોજના સહિતની માંગણીઓ વિના વિલંબે હલ કરે તે જરૂરી છે.