મહેસાણાઃ ગજબની ચોરી કરી, આંગણવાડીમાંથી તેલના ડબ્બા અને ગેસની બોટલ ચોર ઉઠાવી ગયા

મહેસાણા તાલુકાના જગુદણ ગામની આંગણવાડીને તસ્કરોએ નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો હતો.
 
CHOR-960x640

અટલ સમાચાર, ડેસ્ક


વધતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને ચોર પણ તેલની ચોરી તરફ વળ્યા છે. હવે શાળા અને આગંગણવાડીઓમાં પણ ચોરીઓ થવા લાગી છે.  મહેસાણા જિલ્લામાં તસ્કરો બેફામ બની પોલીસને પડકારી રહ્યા છે. ઠેરઠેર જિલ્લામાં ચોરીઓના બનાવો વધી રહ્યા છે. એક દિવસમાં એકથી વધુ ચોરીના બનાવો અલગ અલગ પોલીસ મથકોમાં નોંધાઈ રહ્યા છે. જ્યાં વધુ એક ચોરીની ઘટના સામે આવી છે. મહેસાણા તાલુકાના જગુદણ ગામની આંગણવાડીને તસ્કરોએ નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો હતો.

મહેસાણા તાલુકામાં આવેલ જગુદણ ગામમાં ગણપતિ નગર પાસે આવેલી આંગણવાડીમાં રાત્રી દરમિયાન અજાણ્યા તસ્કરો ઘસી આવી આંગણવાડીના દરવાજાના તાળા તોડી પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ આંગણવાડીમાં મુકેલા 4 તેલના ડબ્બા 2 ગેસની બોલટો મળી કુલ 12 હજાર 800ના મુદ્દામાલની ચોરી કરી રફુચક્કર થયા હતા. હાલમાં આ મામલે આંગણવાડીના કાર્યકર દ્વારા મહેસાણા તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.