મહેસાણાઃ દીકરી પ્રેમલગ્ન કરે તો માતાપિતાની સહી ફરજિયાત કરવા પાટીદાર સમાજનું મહાસંમેલન યોજાયુ
મહેસાણા

 અટલ સમાચાર, ડેસ્ક

મહેસાણા 84 કડવા પાટીદાર સંકુલ ખાતે મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પુખ્તવયની દિકરી જો પ્રેમલગ્ન કરે તો માતાપિતાની સહી ફરજિયાત લેવાની માગ કરવામાં આવી છે. દીકરી 25 વર્ષે પ્રેમ લગ્ન કરે તો મિલકતમાંથી નામ આપોઆપ કમી થાય તેવો કાયદો લાવવા માંગ કરી છે. ચોર્યાસી પાટીદાર સમાજની આ માંગને અન્ય સમાજ દ્વારા પણ આવકારવામાં આવી. સૌરાષ્ટ્ર રાજપૂત સમાજ, ચરોતર બ્રહ્મ સમાજ તથા પ્રજાપતિ સમાજ અને નાયી સમાજ દ્વારા ટેકો જાહેર કરાયો છે.

 

ઉલ્લેખનીય છે કે 22 ઑગષ્ટે મહેસાણામાં ઉત્તર ગુજરાતના કડવા પાટીદારોની પ્રેમ લગ્ન કરવા મુદ્દે મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં દિકરીઓ દ્વારા પ્રેમ લગ્ન કરવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી. તમામ સમાજ પાસેથી આ બાબતે ઠરાવ મંગાવવામાં આવ્યા હતા. અગાઉ પણ મહેસાણામાં ચોરાસી કડવા પાટીદાર સમાજ સંકુલ ખાતે પ્રમુખ જશુભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને સમાજની કારોબારી સભા મળી હતી. જેમાં માતા પિતાની સંમતિ વિના લગ્ન કરીને ભાગી જતી દિકરીઓ માટે કાયદો બનાવવો. જો માતા પિતા સહીની સંમતિ ન આપે તો મિલકતમાંથી નામ નીકળી જાય તેવો કાયદો બનાવવા અંગે સરકારને રજૂઆત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પ્રકારની માગ અગાઉ SPG દ્વારા પણ કરવામાં આવી હતી. તેઓએ પણ લગ્ન નોંધણીમાં માતા-પિતાની સહી ફરજિયાત કરવા માંગ કરી હતી.