મહેસાણાઃ સિવિલ હોસ્પિટલમાં મીડિયાએ ફોટોગ્રાફી કરવી તે ગેરકાનૂની, હોસ્પિટલમાં તેવા પોસ્ટર લાગ્યા

અટલ સમાચાર, ડેસ્ક
મહેસાણા શહેરમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં આજે વહેલી સવારથી ઠેર-ઠેર એક બોર્ડ લગાવવામાં આવ્યાં છે. જ્યાં સૂચના આપવામાં આવી છે કે, હોસ્પિટલમાં મીડિયાને કવરેજ કરવું તે ગેરકાનૂની છે તેમજ વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી કરવી તે પણ ગેરકાનૂની છે. જનતાના પૈસે બનેલી સિવિલ હોસ્પિટલમાં આમ બોર્ડ લગાવવા કેટલા યોગ્ય તેવા પણ સવાલ ઉઠ્યા છે.
આરોગ્ય મંત્રીના વિસ્તારમાં આવેલી મહેસાણાની જનરલ હોસ્પિટલમાં હાલ ચર્ચામાં છે. જેમાં સિવિલ હોસ્પિટલમાં ઠેર-ઠેર બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે કે , હોસ્પિટલ ખાતે વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી કરવી ગેરકાનૂની છે તેમજ કોઈ પણ મીડિયા કવરેજ કરવું તે પણ ગેરકાનૂની છે. આ પ્રકારના બોર્ડ મહેસાણા સિવિલ હોસ્પિટલમાં પ્રથમ વાર લગાવવામાં આવ્યા છે ત્યારે આ બોર્ડ કોના ઈશારે લગાવવામાં આવ્યા છે તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે.
મહેસાણા સિવિલ હોસ્પિટલમાં થોડા દિવસ અગાઉ ગંદકી ભર્યા ફોટો અને જર્જરીત ઇમારત તેમજ અસુવિધાના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. આ મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો ત્યારે ગણતરીના દિવસોમાં જ મેનેજમેન્ટ દ્વારા મીડિયાને કવરેજ કરવા પર રોક લગાવી દેવામાં આવી છે.
મહત્વનું છે કે, સિવિલ હોસ્પિટલમાં મીડિયા પોતાના કામકાજ અર્થે જતા આવતા હોય છે. અકસ્માત અને ક્રાઇમના સમાચારના કેટલાક ફોટો વીડિયો મીડિયા હોસ્પિટલમાંથી કવરેજ કરતું હોય છે. તેમજ દર્દીઓને પડતી તકલીફો મીડિયા ઉજાગર કરતું હોય છે, ત્યારે આ બોર્ડ લગાવી દેવામાં આવતા ક્યાંકને ક્યાંક સિવિલ હોસ્પિટલ મેનેજમેન્ટ સિવિલમાં ચાલતી બેદરકારી કે પછી પોતાની અનગઢ કામગીરી બહાર ના આવી જાય એ માટે મીડિયા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હોવાની શક્યતા જોવા મળી રહી છે.
આ મામલે સિવિલ સુપ્રીટેન્ડનો સંપર્ક કરતા જાણવા મળ્યું કે, સાહેબ બોર્ડ લગાવવાનો આદેશ કરી રજા પર ગયા છે અને 6 તારીખ બાદ પોતાનો ચાર્જ સાંભળશે. ત્યારે બોર્ડ લગાવવાનો આદેશ સિવિલ સુપ્રીટેન્ડે જ આપ્યો હોવાનું સામે આવ્યું છે.કલેક્ટરને પૂછતાં કલેક્ટરે જણાવ્યું હતું કે, આ બોર્ડ અંગે મને જાણ નથી અને આવા બોર્ડ લગાવવા યોગ્ય પણ નથી હું તપાસ કરું છું.