નવરાત્રી@મહેસાણા: પ્રથમ નોરતે કાજલ મહેરિયાના તાલે પોલીસ હેડક્વાર્ટર ગુંજયું, SP અચલ ત્યાગીએ આરતી ઉતારી

 
Mehsana

અટલ સમાચાર,ડેસ્ક

રાજ્યમાં નવરાત્રીની શરૂઆત થતાં લાંબાગાળા બાદ મહેસાણા ખાતે પણ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. તહેવારોમાં પોલીસ કર્મીઓ દિવસ રાત પોતાના પરિવારની ચિંતા કર્યા વિના પોતાની ફરજ બજાવતા હોય છે. નવરાત્રિના 9 દિવસ દરમ્યાન પોલીસ કર્મીઓ તેમના પરિવારજનો સાથે નવરાત્રી મહોત્સવ માણી શકે એ માટે મહેસાણા પોલીસ હેડક્વાર્ટર ખાતે જિલ્લા પોલીસ દ્વારા નવરાત્રિનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ નોરતે જિલ્લા પોલીસ વડા અચલ ત્યાગીએ આરતી ઉતારી ગરબાની શરૂઆત કરાવી હતી.

અટલ સમાચાર તમારા મોબાઈલમાં મેળવવા અહી કિલક કરો

મહેસાણા પોલીસ હેડક્વાર્ટર ખાતે પણ પોલીસ પરિવાર અને જાહેર જનતા એક સ્થળે ગરબા રમી શકે તે માટે મોટા પાયે નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ નોરતે જિલ્લા પોલીસ વડા અચલ ત્યાગી સહિતના પોલીસ કર્મીઓએ માતાજીની આરતી ઉતારી ગરબાની શરૂઆત કરાવી હતી. ગરબા દરમ્યાન લોક ગાયિકા કાજલ મહેરિયાના સુરોના તાલે મહેસાણા પોલીસ પરિવાર અને પોલીસ કર્મીઓ મન મૂકી ઝૂમી ઉઠ્યા હતા.

મહત્વનું છે કે, આદ્યશક્તિ મા જગદંબા-ભવાનીના નવલાં નોરતાંનો ગઇકાલથી આરંભ થયો છે. આસ્થાનું અનેરું પર્વ એટલે નવરાત્રિ જગતજનની મા અંબાની ભક્તિનું પર્વ ગઇકાલથી શરૂ થયું છે, ત્યારે મહેસાણા જિલ્લામાં અને શહેરમાં શ્રદ્ધાળુઓમાં ભાવ અને ભક્તિરસનો અનોખો માહોલ સર્જાયો છે. પ્રથમ નોરતે મહોલ્લા પોળ અને સોસાયટીઓમાં માતાજીની આરતી કરી ગરબાની શરૂઆત કરી હતી. જેમ જેમ નવલા નોરતાના દિવસો આગળ વધશે એમ નવરાત્રિનો રંગ જામશે.