વિજાપુરઃ અજાણ્યા ઇસમોએ પોલિસી અને લોનના નામે ખેડૂત પાસેથી 51.31 લાખની છેતરપિંડી કરી
farud

અટલ સમાચાર, ડેસ્ક

મહેસાણાના વિજાપુર તાલુકાના વસઇ ગામે રહેતા ઇશ્વરસિંહ ચાવડા નામના ખેડૂતને વર્ષ 2014માં ઇન્શ્યોરન્સ પોલિસી અને લોનના નામે ઇન્વેસ્ટમેન્ટ અને ચાર્જીસના ચક્રવ્યૂહમાં ફસાવી એક મહિલા સહિત 3 અજાણ્યા ઈસમોએ રૂ. 80.86 લાખ અપાવવાના બહાને રૂ. 51.31 લાખ ખંખેર્યા છે.

વસઇ ગામના ખેડૂતને અલગ અલગ કંપનીઓના નામે અલગ અલગ વ્યક્તિઓના ફોન આવ્યા હતા અને પોલિસી સામે રિફંડ આપવાની વાતો કરી વર્ષ 2014થી 2018 સુધી કુલ 28 લાખ 86 હજાર 692 રૂપિયા ઓનલાઈન અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. જેના બાદ વર્ષ 2021માં ફરી એકવાર ન્યુ દિલ્લીથી રાધિકા ઉર્ફે મધુ નામની સ્ત્રીનો ફોન આવ્યો હતો. જેને ખેડૂતને તેમની પોલિસી અને બોનસ સાથેની 80 લાખ 86 હજાર 715 રકમ તૈયાર છે, જે મેળવવા પ્રોસેસ ફી અને અલગ અલગ ફી પેટે 22 લાખ 44 હજાર 410 રૂપિયા ભરવા કહેતા ખેડૂતે ફરી એકવાર વિશ્વાસ મૂકી તે રકમ જમા કરાવી હતી.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો 

આમ 2014થી 2022 સુધી કુલ રૂ. 51.31 લાખ જમા કરાવ્યા હતા. ત્યાં અચાનક સુરત પોલીસનો ખેડૂત પર ફોન આવતા તેઓ સાથે છેતરપિંડી થયાનું સામે આવતા ખેડૂતે વસઇ પોલીસ મથકે સમગ્ર ઘટનાની જાણ કરી સાયબર ક્રાઈમ અંતર્ગત થયેલી છેતરપિંડી મામલે ફરિયાદ નોંધાવી છે.

ખેડૂત સાથે બનેલી રૂ. 51.31 લાખની છેતરપિંડી મામલે વસઈ પોલીસે ઓનલાઈન ઠગબાજી કરનાર રાધિકા ઉર્ફે મધુ શર્મા, દિપક શર્મા અને કોઠારી નામના શખ્સ સામે જરૂરી પુરાવાઓ એકત્ર કરી IT એક્ટ 66D અને IPC 420, 419, 406 અને 120B અંતર્ગત ફરિયાદ નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.