વડનગરઃ મૃતકના ગામલોકોએ આરોપીના ગામ નજીક 100 લોકોના ટોળાએ ખેતરોમાં ઘુસી આંગ ચાંપી
siporn

અટલ સમાચાર, ડેસ્ક

મહેસાણા જિલ્લામાં આવેલા સીપોર ગામના યુવકનું પાંચ દિવસ અગાઉ અજાણ્યા ઈસમો અપહરણ કરી લઈ ગયા હતા. જે બાદ આજે યુવકની લાશ અંબાજી નજીક આવેલા કુવામાંથી મળી આવી હતી. ત્યારે પોલીસે લાશનું પોસ્ટમોર્ટમ કરાવી લાશને પરિવારજનોને શોપી હતી. આ વચ્ચે આ હત્યામાં સંડોવાયેલા આરોપી નજીકના ગામનો જ હોવાથી મૃતકના ગામલોકોએ આરોપીના ગામ નજીક આવેલા ખેતરોમાં આગ ચાંપી હતી. 100 લોકોના ટોળાએ ખેતરોમાં ઘુસી આંગ ચાપી હતી. જેને લઈ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મામલો ઉગ્ર ના બને તે માટે ટીયર ગેસ છોડી ટોળાને વિખેર્યું હતું.


સીપોરના યુવકની હત્યા કરવાના કેસમાં નજીક આવેલા રસુલપુર ગામના શખ્સનું નામ સામે આવ્યું હતું. મૃતકની અંતિમ વિધિમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જોકે, અંતિમવિધિ પત્યા બાદ મૃતકના ગામના કેટલાક લોકો ભેગા મળીને આરોપીના ગામ રસુલપુરમાં જવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે ગામમાં પોલીસ બંદોબસ્ત હોવાથી લોકોના ટોળાએ હત્યાના આરોપીના ગામ નજીક આવેલા ખેતરોમાં આગ ચાંપી હતી. બાદમાં ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી એક ટીયર ગેસ છોડી ટોળાંને વિખેર્યું હતું.


સીપોર ગામના યુવકની હત્યા પ્રેમ સંબંધમાં થઈ હોવાની વિગતો સામે આવી છે. ત્યારે આ હત્યા કરનાર નજીકના ગામનો અને અન્ય સમાજનો હોવાની જાણ મૃતકના ગામના લોકોને થતા કેટલાક લોકો ભેગા થઈ આરોપીના ગામમાં જઇ ખેતરોમાં આગ લગાવી હતી. જેથી ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.


આ મામલે મહેસાણા જિલ્લા પોલીસ વડા અચલ ત્યાગીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, આ ઘટનામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મૃતકની અંતિમ વિધિ કરાઈ છે. જોકે, કેટલાક લોકો આરોપીનું ગામ નજીક હોવાથી ત્યાં ગયા હતા અને ખેતરમાં આગ ચાંપી હતી. પોલીસ દોડી આવી જતા ટોળું વિખેર્યું હતું. આ હત્યા કેસમાં પાંચ જેટલા આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે અને હાલમાં ગામડાઓમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને પેટ્રોલીગ વધારી દેવામાં આવ્યું છે. જેથી હાલમાં શાંત માહોલ છે.

સિપોરના હત્યા કેસની જાણકારી ગામ લોકોને ગઈકાલે જ મળી ગઈ હતી અને આરોપી રસુલપુર ગામનો હોવાનું સામે આવતા મૃતકના ગામ લોકો કાલથી જ આક્રોશમાં હતા. જેથી ગઈકાલથી જ આરોપીના ગામ લોકો ભયમાં મુકાઈ ગયા હતા. જેથી મૃતકના ગામ લોકો કોઈ હુમલો કે હુલ્લડ ના કરે એ માટે ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવા માટે નાયાબ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી હતી.