મહેસાણાઃ દૂધસાગર ડેરીમાં મારામારી મામલે મંજૂરી વિના રેલીનું આયોજન, વિપુલ ચૌધરીની અટકાયત
અટકાયત

અટલ સમાચાર, 

મહેસાણામાં દૂધસાગર ડેરીમાં મારામારી મામલે મંજૂરી વિના રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વિપુલ ચૌધરીના સમર્થકો દ્વારા પોલીસની કોઈપણ પ્રકારની પૂર્વ મંજૂરી વિના રસ્તાઓ પર ઉતરીને બેનરો સાથે સુત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શિત કરવાનો પ્રયાસ કર્યો હતો. સ્થિતિ વણસે નહીં તે આશયથી પોલીસે વિપુલ ચૌધરી સહિત વિરોધ કરી રહેલાં કેટલાંક સભ્યોની અટકાયત કરી લીધી છે. વિપુલ ચૌધરીએ જણાવ્યુંકે, પૂર્વ ચેરમેન મોઘજીભાઈ પર ખૂની હુમલો થયો છે. કોઇ એ વાત ન માને કે મોઘજી ભાઈ ખૂન કરવાના ઈરાદે ડેરીની સામાન્ય સભામાં ગયા હતા. ડેરીના વર્તમાન સત્તાધીશો ના ઇશારે મોઘજી ભાઈ પર ફરિયાદ દાખલ કરવામાં આવી છે જે યોગ્ય નથી. અમે મોઘજી ભાઈને ન્યાય ની માંગ સાથે લડત આપીશું. પંચશીલ ગાંધીનગરથી SP કચેરી સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

દૂધસાગર ડેરીના ગેટ પાસે મોઘજી ચૌધરી, તેમના પુત્ર અને ભણા પર હુમલો કરવામાં આવ્યો હતો અને તેમની વિરુદ્ધ પોલીસે 307 કલમ લગાવતા હાલમાં ભારે વિવાદ જોવા મળી રહ્યો છે. ત્યારે મોઘજી ચૌધરીના સમર્થકોએ વિસનગર તાલુકામાં આવેલા ખરવડા ગામે ભાજપનો બહિષ્કાર કરતા બોર્ડ લગાવ્યા છે. અને આજે પંચશીલ ગાંધીનગરથી SP કચેરી સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, પોલીસ ભવન સુધીની આ રેલી પૂર્વે જ પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો. વિપુલ ચૌધરીના ફાર્મ હાઉસની બહાર જ પોલીસે બંદોબસ્ત ગોઠવી દીધો હતો. જેવા વિપુલ ચૌધરી બહાર નીકળ્યા કે તુરંત જ તેમની અટકાયત કરી લેવામાં આવી.

 અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો

ઉલ્લેખનીય છેકે, આર્થિક દ્રષ્ટિએ ખુબ મહત્ત્વની ગણાતી સહકારી સંસ્થાએ મહેસાણાની દૂધ સાગર ડેરીનું રાજકારણ પણ એટલું જ વિચિત્ર છે. દૂધિયા રાજકારણને સમજવા માટે તમારે તેના ઈતિહાસ અને ભૂગોળને વાગોળવો પડશે. જોકે, હાલ તો કાળઝાળ ગરમીની વચ્ચે મહેસાણા દૂધસાગર ડેરીનું રાજકારણ ભારે ઉકળાટ મારી રહ્યું છે. ડેરીના ગેટ પાસે પૂર્વ ચેરમેન મોઘજી ચૌધરી પર હુમલો કરનાર આરોપી સામે કાર્યવાહી કરવા અને તેમના પર લાગેલી 307 કલમ હટાવવા વિપુલ ચૌધરીએ જંગી રેલી યોજી હતી. બીજી બાજુ ડેરીના કર્મચારીઓએ મોઘજી ચૌધરી અને તેમના પુત્રને ઝડપવા માટે મૌન રેલી યોજી હતી. હાલમાં દૂધસાગર ડેરીના રાજકારણમાં જોરદાર ગરમાવો જોવા મળી રહ્યો છે, ત્યારે મોંઘજી ચૌધરીના સમર્થકોએ ભાજપના બહિષ્કારના બોર્ડ લગાવી અને પોલીસની મંજૂરી વિના રેલી યોજવાનો પ્રયાસ કર્યો હતો. 

વિસનગરનું ખરવડા છેલ્લા 20 વર્ષથી ભાજપ પ્રેરિત ગામ છે અને ગામના મોટા ભાગના મત ભાજપને મળે છે. ત્યારે દૂધસાગર ડેરીમાં મોઘજી ચૌધરી પર થયેલા હુમલા બાદ આ ગામ આકરા મૂડમાં જોવા મળી રહ્યું છે. કોઇ અજાણ્યા લોકોએ ગામના બોર્ડ લગાવી જાણવ્યું છે કે, 'મોંઘજી ચૌધરી પર જે લોકોએ હુમલો કર્યો છે, તેમની ધરપકડ નહીં થાય અને તેમના પર લાગેલી 307 કલમ રદ્દ નહી થાય તો અમારું સમસ્ત ગામ ભાજપનો બહિષ્કાર કરશે, અને તેનું પરિણામ આવનારી ચૂંટણીઓમાં ભાજપને ભોગવવાનો વારો આવશે' એવા બોર્ડ લગાવવામાં આવ્યા છે. આ મામલે ગામના પ્રવીણભાઈએ જણાવ્યું હતું કે, અમારા મોઘજીભાઈ પર મારામારી કરી, જે અત્યાચાર અને મારામારી કરી એના માટે બોર્ડ લગાવ્યા છે. અમે છેલ્લા 20 વર્ષથી ભાજપમાં છીએ અને ભાજપના ધારાસભ્યને જીતાડીએ છીએ. આવા ઉંમર લાયક વ્યક્તિપર હુમલો થાય એ સારું નથી. અમે આ બેનર પરમ દિવસે લગાવ્યા છે. મોઘજીભાઈ પર જે કલમ લાગી છે એ હટાવી દેવાય અને એમને યોગ્ય ન્યાય મળે એવી અમારી માંગ છે.