કાર્યવાહી@મહેસાણા: વિપુલ ચૌધરીના 7 દી'ના રિમાન્ડ મંજૂર, વિપુલ ચૌધરીના સમર્થનમાં ભાજપમાંથી 30 જેટલા રાજીનામાં

અટલ સમાચાર, ડેસ્ક
મહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. મહત્વનું છે કે, 1 દિવસ અગાઉ ગાંધીનગર સ્થિત તેમના બંગલેથી અડધી રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ આજે વિપુલ ચૌધરીને મહેસાણા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. મહેસાણા કોર્ટે વિપુલ ચૌધરીના 7 દિવસના રિમાંડ મંજૂર કર્યા છે. જ્યારે પોલીસે 10 દિવસના રિમાંડની માંગણી કરી હતી. 23 સપ્ટેમ્બર બપોરે 12 વાગ્યા સુધી હવે વિપુલ ચૌધરી પોલીસના રિમાન્ડમાં રહેશે જે દરમ્યાન 800 કરોડના કૌભાંડ અંગે સઘન પૂછપરછ થશે.
મહત્વનું છે કે, ગઇકાલે ACBએ 800 કરોડની ગેરરીતિની ફરિયાદ નોંધી વિપુલ ચૌધરીની ધરપકડ કરી હતી. દૂધસાગર ડેરીમાં ચેરમેન પદે હતા તે દરમ્યાન ગેરરીતિઓ કરી હોવાનો ખુલાસો થયો છે. આજે કોર્ટમાં સુનાવણી દરમ્યાન વિપુલ ચૌધરીના વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, જ્યારે ચૂંટણી આવે ત્યારે તેમને જેલમાં નાંખી દેવાય છે. તો સરકારી વકીલે કહ્યું હતું કે, કંપનીઓના બોગસ વ્યવહાર ચકાસવાના હોવાથી રિમાન્ડ પર લેવા જરુંરી છે. આજે કોર્ટ પરિસરની બહાર અબુદા સેનાના કાર્યકરોનો જમાવડો થયો હતો જેથી પોલીસે પાછલા દરવાજેથી વિપુલ ચૌધરીને કોર્ટમાં લઈ જવામાં આવ્યા હતા.
વિપુલ ચૌધરીના સમર્થનમાં ખેરાલુ તાલુકા ભાજપમાંથી 30 જેટલા રાજીનામાં
આ તરફ વિપુલ ચૌધરીની ધરપકડને લઇ ચૌધરી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. ધરપકડના વિરોધમાં રાજીનામાંનો દોર ચાલુ થઈ ગયો છે. ખેરાલુ તાલુકા ભાજપમાંથી 30 જેટલા રાજીનામાં પડ્યા જુદા-જુદા મોરચાના હોદ્દેદારોએ ભાજપને અલવિદા કહ્યું છે.
ACBના ઝોનલ ડાયરેક્ટરે શું કહ્યું ?
ACBના ઝોનલ ડાયરેક્ટર મકરંદ ચૌહાણનું સમગ્ર મામલે નિવેદન સામે આવ્યું છે. તપાસ મુજબ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. જેમાં પોલીસ જણાવ્યા અનુસાર 800 કરોડ રૂપિયાનું કૌભાંડ છે. વિપુલ ચૌધરી, પવન ચૌધરી, ગીતાબેન ચૌધરી સામે ગુનો નોંધાયો છે. CA શૈલેષ પરીખ સામે પણ ફરિયાદ દાખલ થઈ છે.